પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૧૦
← પ્રકરણ ૯ | પુરાતન જ્યોત પ્રકરણ ૧૦ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૮ |
પ્રકરણ ૧૧ → |
વાડ્યની બહાર એ વખતે ચારેક ઘોડાઓના ડાબલાઓ પછડાયા.
ઝાંપા ઉપર ઘોડાં ખડાં રહ્યાં. અસવારોએ બહાર ઊભા ઊભા હાક મારી : ‘સત દેવીદાસ !'
“સત દેવીદાસ !” અમરબાઈનો સામો સૂર આ અતિથિગૃહમાંથી ઊઠ્યો.
“હવે હું જાઉં ?" મહેમાનની સામે જોઈ એણે રજા માગી.
"મને — મને —” કાઠીએ લાચારીભર્યા સ્વરે કશુંક કહેવા પ્રયત્ન કર્યો, પણ માથું નીકળી પડતું હતું. નસો ખેંચાતી હતી. બાલોશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહતો હતો. જાણે જીવતો સળગતો હતો. વધારામાં એણે બહાર વાર આવી સાંભળી. એને પોતાનું મોત છેલ્લી છલંગો ભરતું દેખાયું.
"હમણાં જ તમારા માથાના દુખાવાની દવા લાવું છું.” એટલું બોલીને અમરબાઈએ બારણાં ખોલ્યાં. પાછાં ધીરેથી બંધ કરી બહારથી સાંકળ ચડાવી. સાંકળ ચડી તેનો અવાજ અંદર સૂતેલા પરોણાએ સાંભળ્યો. એને પોતાનાં બૂરાં તકદીરની ખાતરી થઈ ચૂકી.
ઝાંપે જઈને એણે તારોડિયાના પ્રકાશમાં અસવારો માંયલા મુખ્ય અસવારને ઓળખી લીધો.
"સત દેવીદાસ, આપા શાદુળ ખુમાણ !”
"કેમ બાપ અસૂરા આવવું પડ્યું આવી મેઘલી રાતે ?”
"ઓલ્યો અસુર આજ તમારી પાછળ પડ્યો'તો ને ?”
"કોણ?”
"બગેશ્વરવાળો...”
"કોણે કહ્યું? મને તો ખબર નથી ભાઈ !”
“ત્યારે મને શું ખોટા સમાચાર મળ્યા ?” ગામેગામેથી ખેપિયા દોડ્યા'તા કે પરબ-વાવડીવાળી જોગણની વાંસે બગેશ્વરવાળાનાં ઘોડાં છૂટ્યાં છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેંસાણથી આવ્યો.
"ના રે ના આપા શાદુળ, કોઈકે બનાવટ કરી, નાહક તમારાં ઘોડાંને તબડ્યાં ! ખમા માડી ! ઊતરશો ?"
“કહો તો ઊતરીએ. જરૂર હોય તો રાતવાસો રહીને જઈએ. બાકી તો દોડાદોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં.”
"કેમ શોધમાં? જૂનાગઢ લઈ ગયા છે ને ?” “ના રે ના, નામ દીધું જુનાગઢની પોલીસનું, પણ લઈ ગયા છે કોઈક બહારવટિયા !”
"બહારવટિયા?” અમરબાઈને અચંબો થયો : “બહારવટિયા દેવીદાસજીને શા માટે લઈ જાય ?”
"હવે એ તો જાતે દા'ડે જાણશો.”
કોઈ પણ ગર્ભિત અર્થવાળી અથવા માર્મિક વાણીનો અર્થ ન કઢાવવો એવી અમરબાઈની પ્રકૃતિ હતી. એ જવાબ આપ્યા વિના જ ઝાંપો ઝાલીને ઊભી હતી.
ફરી એક વાર અસવારે કહ્યું : “ભે નથી લાગતી ને ? નીકર બે જણાને અહીં મૂકી જાઉં.”
અતિથિગૃહની પથારીમાં પડ્યો પડ્યો આ વાતને સાંભળી રહેલ પરોણો લગભગ ઊભો થઈ ને ગોદડામાં સંતાવાની તૈયારી કરતો હતો. એનું આખું શરીર પસીને રેબઝેબ થઈ ગયું હતું. ત્યાં તો એણે પોતાના મૃત્યખંડમાંથી મુક્તિ શબ્દ સાંભળ્યો :
"ના ભાઈ ! તમે તમારે જાવ, બાપુની શોધ કરો. અહીં તો મારે રામનાં રખવાળાં છે.”
“ઠીક ત્યારે, સત દેવીદાસ."
"સત દેવીદાસ.”
એ શબ્દે અમરબાઈએ વિદાય દીધી. થોડી વારમાં જ ઘોડાંના ડાબલા ચૂપ બન્યા. અમરબાઈ પાછાં અતિથિગૃહમાં દાખલ થયાં. પળેપળ જેની જુગ જુગ જેવડી જતી હતી, મોતને અને જેને તસુવા છેટું હતું, જેની જીવાદોરી પોતે દૂભવેલી એક સ્ત્રીના હાથમાં પડી ગઈ હતી, તે માણસે જાણે કે પોતાનાં વેરાઈ ગયેલાં હાડકાં પાછાં એકઠાં કર્યાં.
“તમારે માટે આ ડીંડલા થોરનું દૂધ લાવી છું, ભાઈ ! લો હું માથે ચોપડી દઉં.”
એમ કહીને અમરબાઈ એ કાઠીની પથારી પર એક પાંદડાંના પડિયા સાથે લળી. થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડી વાર સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈ એ ફરીથી કહ્યું : “હવે હું સૂવા જાઉં છું વીર ! ને જરૂર હોય તો મને સાદ કરી કહેજો કે, 'સત દેવીદાસ !' એટલે હું ભરનીંદરમાંય એ શબદ સાંભળીશ.” ચાલી જતી એ જુવાન વેરાગણનો શબ્દેશબ્દ એક્કેક તમાચા જેવો લાગ્યો.
પ્રભાતે અમરબાઈ જ્યારે જાગ્યા ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી ગયા હતા.