← પ્રકરણ ૧૩ પુરાતન જ્યોત
પ્રકરણ ૧૪
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૧૫ →


[૧૪]


અમરબાઈના જીવનમાં શાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી. તે રાત્રીએ દત્તાત્રેયના ધૂણા પર સાંભળેલા ધ્વનિ શમી ગયા. 'ચાલી આવ !' 'પાછી ચાલી આવ ' કહી સંસારમાંથી સાદ દેનારું કોઈ ન રહ્યું. અંતર સભરભર બન્યું. જન્મમરણનો સાથી સાંપડ્યો.

રાત્રી અને દિવસ ટૂંકાં પડવા લાગ્યાં. વાત જાણે ખૂટતી નહોતી. છાણવાસીદું અને જળસિંચન જેવાં જગ્યાનાં વસમાં કે ગંદાં કોઈ પણ કાર્યોમાં સ્ત્રીપુરુષને ભેદ ન રહ્યો.

"ના અમરબાઈ, હું છાણ ઉપાડીશ.” શાદુળ જીદ લેતો.

“નહીં રે ભગત, પુરુષના હાથ એને ઠેકાણે શોભે, ને અસ્ત્રીના હાથ તેને ઠેકાણે, સહુ સહુને સ્થાને રૂડું.” એમ કહેતી અમરબાઈ છાણનો સૂંડલો શાદુળના માથા પરથી ઝૂંટવી લેતી. ઝૂંટવવા જતાં રકઝકમાં બેઉને છાણ ઊડતું.

"જાઓ અમરબાઈ !” શાદુળ બોલી ઊઠતો. "ધેનુ માતાનું છાણ એની જાણે સાખ પૂરે છે. આપણે બેય છંટાણાં. માટે બેય વચ્ચે વારા.”

એકાંતરા એ કામની બદલી થવા લાગી.

'આપણે બેય છંટાણાં !' સાદું સરલ વચન : છતાં બોલનાર-સાંભળનાર બેઉને કલેજે એ બોલમાંથી નિગૂઢ અર્થ છંટાયો.

બીજા જ દિવસે બને જણ સંત દેવીદાસની પાસે ગયાં. પછવાડેના વાડામાં સંત હમેશાંની માફક લીમડાનાં પાંદ પલાળેલા જળે રક્તપતિયાને સાફ કરતા હતા. સડેલાં પચીસ મોઢાંની જીવતી ભૂતાવળ વચ્ચે, તેઓની ચીસાચીસો ઉપર કોમળ કરુણાળુ બોલ વેરતાં સંતે બેઉનો સંચર સાંભળી પછવાડે જોયું.

જરા તપીને કહ્યું : “મેં તમને અહીં આવવાની હજુ રજા નથી આપી.”

“રજા ને બજા બાપુ !” અમરબાઈ એ દ્રઢતાથી ઉત્તર દીધો. “હવે બહુ થયું. ઊઠો હવે. એ કામ અમને કરવા આપો.”

શાદુળ ભગત બાજુમાં ઊભા ઊભા અમરબાઈને પક્ષે પોતાનું વિજયી સ્મિ વેરતા હતા.

સંતે બેઉની આંખમાં આકાંક્ષા વાંચી પૂછ્યું :

“આજનો દિવસ ઠેરી જશો ?”

"કેમ શા માટે?” અમરબાઈ જોર પર આવ્યાં.

"મારે તમને એક વાત કહેવી છે.”

"હમણાં જ કહો.”

“ભલે, આજે આ કામ પતાવીને આવું છું.”

બેઉને એકાંતે લઈ જઈને પછી સંતે શાંતિથી પૂછ્યું :

“અહીં જગ્યામાં કોઈ અરીસો છે?”

અમરબાઈ પાસે અરીસો નહોતો, પણ એને તે વખતે એક નવી વસ્તુ યાદ આવી. શાદુળ ભગત આવ્યા ત્યારથી પોતે કોણ જાણે શાથી પણ જ્યાંત્યાં પાણીમાં પોતાની છબી જોયા કરતી : કૂવાકાંઠે, અવેડીમાં, ગાયને પાવાની ઠીબડીમાં, જ્યાં જ્યાં પોતે શાંત સ્વચ્છ દર્પણ સમું જળ જોતી, ત્યાં એને પોતાનું મોં જોવાનું મન થતું. પોતે પોતાને જ નિહાળી જાણે મુગ્ધ બની જતી.

પણ અરીસાને બદલે એ પાણીનો ઉપયોગ બતાવવાની હિંમત તે વખતે ચાલી નહીં. અમરબાઈ એ એક નિર્દોષ જણાતી વાતને આજે પહેલી જ વાર પોતાના પેટમાં પૂરી રાખી.

“અરીસો મળશે ક્યાંય ?”

શાદુળ ઊઠ્યો. એણે પોતાના સરંજામમાંથી એક નાનું, ફેંટામાં સમાય તેવડું આભલું કાઢયું ને સંતની પાસે ધર્યું.

વગર પૂછ્યે જ એણે કહી નાખ્યું કે, “આ મને એક ગોવાળે આપ્યું હતું.”

પોતે ગોવાળની કનેથી સીમમાં માગી લીધું હતું, એટલું સ્પષ્ટ એ ન કહી શક્યો.

"કાંઈ વાંધો નહીં, ગોવાળનું દર્પણ હોય કે રાજાનું હોય, મોં દેખાશે. મારી એવી ઈચ્છા છે કે એક વાર તમે બેઉ તમારા મોં આમાં જોઈ લ્યો. પાછળથી રખે તમને ઓરતા રહી જાય.”

આ બેમાંથી એકેયને કંઈ નવેસર મોં જોવાનું તો હતું જ નહીં. શરમિંદે ચહેરે બેઉએ એ ક્રિયા કરી નાખી.

"હવે ફરી પાછા તમારે આરસામાં જોવાનું થાય ત્યારે તમને આરસો ફરેબ દેશે તો ?”

એમ કહીને દેવીદાસે પોતાના મોં ઉપરથી કશુંક ઉખેડવા માંડ્યું. એમની ચામડી ઉપર ચામડીના જ જેટલું પાતળું એક મુલાયમ માટીનું પડ હતું. એ પડની પોપડીઓ ઊખડી જતાં સંતના સીસમ જેવા શ્યામરંગી રબારા ચહેરા ઉપર સફેદ ટીબકીઓ દેખાઈ. ટીબકીઓ ઉપર ધીરે ધીરે રસીના ટશિયા બેઠા.

સંત બોકાની બાંધી રાખતા. એમ લાગતું કે દાઢીના વાળને સરખા રાખવા માટેની એ બોકાની હતી. એ બોકાની છોડતાં, નીચેનો હોઠ કિનારી પરથી થોડો થોડો ખવાતો હોય તેવો દીસ્યો.

"જોયું ?"

બન્નેની આંખો મટકું મારવું રોકી રહી હતી.

“ઝાળ લાગી ગઈ છે. હજી તો આરંભ જ થાય છે. પણ છ મહિને તમે મારું સ્વરૂપ ભાળીને ભાગશો.”

બેમાંથી કોઈ એ ચુંકાર કર્યો નહીં. તેમની આંખો ફાટી રહી હતી. છ મહિના પછીની કલ્પનાને એ નેત્રો નિહાળતાં હતાં.

“તમે માનતાં'તાં કે ‘સત દેવીદાસ’ના શબ્દનો ચમત્કાર હતો. ના, ના, હું એક પામર રબારી છું, મારી પાસે સિદ્ધિ નહોતી. સમજીને જ હું બેઠો'તો કે આ ફૂલ જેવી કાયા, માનવીની કાયાઓ જેવી જ આ કાયા, એક દા'ડે સડી ગંધાશે. પણ કાયાનો બીજો ઉપયોગ ન સૂઝ્યો. એટલે જ મેં એ અભાગણીને કહ્યું કે બાઈ આખરેય જવું તો છે બળતા ખોડસામાં ને ! તો પછી કાંઈક કામે લાગીને પછી જ જાને !”

કેટલી બધી મીઠાશથી આ મનુષ્ય પોતાના સત્યાનાશની ચર્ચા કરતો હતો ! પાણી જાણે આગની વાત કહેતું હતું.

સંતે વાત આગળ ચલાવી :

"અજબ થશો નહીં તમે બેઉ. હું તો આ ભોગવી જાણું છું જૂના કાળથી. જુવાન હતો ત્યારે દીપડાના એક જડબા ઉપર પગ દબાવીને બીજે જડબેથી મેં આખો ને આખો ચીર્યો હતો. શિકારીની બંદૂકથી ગોળી મને વાગેલી, ત્યારે મેં મારી છરી વતી દેહનો એ ભાગ ડખોળી ડખોળીને ગોળી બહાર કાઢી હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નહીં થઈ પડે." પોતે હસ્યા. કહ્યું : “આટલું જાણ્યા પછી હવે કાલે જવાબ દેવા આવજો.”

ફરીથી પાછા દેવીદાસે માટીના પોપડા મોં પર લગાવી લીધા ને બોકાની બાંધી લીધી.

વળતા દિવસે અમરબાઈ કે શાદુળ બેમાંથી એકેય જણે આ વાતને ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો આડકતરો કશો ઈશારો કર્યો નહીં.

રક્તપીતિયાના ભયાનક ચેપથી ભય પામેલાં બન્નેએ જગ્યાની બીજી બધી સેવાઓનું જ શરણ લીધું. જાણે લપાઈ ગયાં.