પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧

' વાર્તામાં વિષકન્યા, અભાન કે અર્ધભાનમાં લાવનારી ઔષધિઓ અને સ્ત્રીઓના રાજકીય કે ધાર્મિક ઉત્કર્ષમાં થતા ઉપયોગને રખે કોઇ નિરાધાર કલ્પના માને. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, વાત્સ્યાયન કામસૂત્ર કે કથાસરિત્ સાગર અથવા જાતકકથાઓનો સહજ પરિચય સેવનારને આ બધામાં નિરાધાર કલ્પનાઓ નહિ જ દેખાય. ભાંગ અને કોકેનનો કામોત્તેજક પ્રયોગ આજ પણ પૂર્વપશ્ચિમમાં જાણીતો છે. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' તરફથી હમણાં જ વેચાયલી ‘સાચી ૫૦ જાસૂસકથાઓમાં Poison kiss - વિષચુંબન - નામની એક કથા આપવામાં આવેલી હમણાં જ મારા જોવામાં આવી. સને ૧૯૧૮નું યુદ્ધ પૂરું થયા પછીની રાજકીય રમતોમાં એક ટર્કિશ રાજકુમાર પાસેથી અગત્યના ખતપત્રો લેવામાં ચબરાક અને સૌન્દર્યસંપન્ન સ્ત્રીનો ઉપયોગ કર્યાનું વિધાન આ સંબંધમાં જોઈ જવા સ૨ખું છે. હોઠ ઉપર ચોપડેલી ન દેખાતી ઔષધિ દ્વારા પુરુષને પરવશ કે બેભાન બનાવવાનો એ કથાપ્રસંગ છેક વર્તમાન યુગનો છે એ ભૂલવા સરખું નથી. ‘ક્ષિતિજ'ના આવા પ્રસંગોને વર્તમાનયુગ પણ ઓળખે છે. આપણે આજ ધારી શકીએ એના કરતાં વધારે ગાઢ સંબંધ આર્યા- વર્ત અને બહારની દુનિયા વચ્ચે પ્રાચીન કાળમાં હતો. ચીન, જાપાનમાં પ્રસરેલો બૌદ્ધધર્મ હિંદ સાથેના નિકટ વ્યવહાર વગર શક્ય ન જ બને. હિંદી ચીન, સિયામ, બર્મા, મલાયાં, સુમાત્રા, જાવા, બાલી, બોર્નિયો વગેરે દૂર દૂરના પૂર્વ પ્રદેશોમાં તો આજ પણ આર્યસંસ્કૃતિના અવશેષો મીંચેલી આંખે દેખાય એવા પડ્યા છે. તિબેટ હજી બૌદ્ધ છે. કાશગર, સમરકંદ અને બૂખારાએ વિખ્યાત કરેલો મધ્ય એશિયાનો પ્રદેશ બુદ્ધવિહારો અને બ્રાહ્મણ મઠમંદિરોથી ભરપૂર હતો એવી પ્રાચીન મુસાફરોની નોંધ આજ પણ અસ્તિત્વમાં છે. અફઘાનિસ્તાનની દૂર સરહદ ઉપર હજી વિશાળ બુદ્ધ પ્રતિમાઓ પ્રાચીન આર્યતાને બરફભર્યા પર્વતોમાં સાચવી રહી છે. ઈરાનના સાઇરસના સૈન્યમાં રોકાયલા હજાર હિંદી તીરંદાજો ઇજિપ્તમાં યુદ્ધ ખેલ્યા હતા. ગ્રીસનાં ખંડેરોમાંથી સરસ્વતીની મૂર્તિ મળી આવેલી છે. રોમન સિક્કાઓ હિંદમાંથી મળી આવ્યા છે. સીરિયામાં દશરથ જેવા નામધારી રાજાઓના ઉલ્લેખો થયા છે. મોહન-જો-ડેરોની સંસ્કૃતિ હિંદને વાયવ્ય એશિયા સુધી ખેંચી જાય છે. અને પશ્ચિમ હિંદના કાંઠાવાસીઓનાં વહાણ આફ્રિકાના આખા પૂર્વ કિનારાને સદીઓથી હિંદપરિચત બનાવી રહ્યાં હતાં. en