પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪ : ક્ષિતિજ
 

૮૪ : ક્ષિતિજ ઘેરભ નાચતી ઘૂમી વળતી હતી. નર્તકીઓના ઘઉવર્ણા દેહનો મોટો ભાગ ખુલ્લો હતો. ઝીણાં રેશમી ઉપરણાં દેહની આસપાસ સૌન્દર્યવર્તુલો રચત અંગેઅંગને ખીલવતાં હતાં. ચોળીઢાંક્યા વક્ષ અને કટિવસ્ત્રઢાંક્યા કટિમંડલને ઉપસાવતી મેખલા નૃત્યને દેહસૌન્દર્યનો હિંડોલ બનાવતાં હતાં. નર્તકીઓના હાથ, પગ આંગળાં, કંઠ, મુખ, આંખ ભ્રમર, કટિ, ઘૂંટણ અને પાની નવી નવી આકૃતિઓ રચી રંગમંડપના વાતાવરણમાં જીવંત ચિત્રો અને સાકાર કવિતા દોરતાં હતાં. નૃત્યની સ્ફૂર્તિ, તાલની ઝમક, દેહના સૌન્દર્યભર્યા મરોડ અને સાથે એ નૃત્યને ઓપ આપતું વાદન આખા રંગમંડપને સ્વપ્નભૂમિ બનાવી દેતાં હતાં. સહ એકીટશે એ નૃત્યને નિહાળતાં હતાં. ક્ષમા પણ થોડી ક્ષણ ભાન ભૂલી નૃત્યમાં તલ્લીન બની ગઈ. તેણે જોયું કે નૃત્યમાં કોઈ કથાચિત્ર દોરાતું હતું. વિગત તપાસતાં તેને સમજાયું કે ભયાનક નાગ વીંટાળેલા તપસ્વી શિવનું તપ ચળાવવા કોઈ સ્વરૂપવાન ભીલકન્યા શૃંગારની અત્યંત સૂક્ષ્મ અને તીવ્ર વિકારશ્રેણી પ્રદર્શિત કરતી હતી. નૃત્યમાં જ ધ્યાનલીનપણું પ્રદર્શિત કરતા શિવનો ક્રમે ક્રમે થતો ધ્યાનભંગ અને સ્ત્રીના આહ્વાનનો અપાતો પૌરુષભર્યો ઉત્તર એ નૃત્યમાં વિકાસ પામતાં જતાં હતાં. ક્ષમાને એમાં શૃંગારની અતિશયતા કે અતિસ્ફોટન લાગ્યાં હોય, પરંતુ એ શૃંગાર ખુલ્લો હોવા છતાં બીભત્સ ન હતો. તેમાં એક પ્રકારની સચ્ચાઈ - સ્વાભાવિકતા દેખાતાં હતાં. એમાં છુપાવવા સરખી હલકી લાગણી વ્યક્ત થતી હોય એમ ક્ષમાને પણ ન લાગ્યું. નૃત્ય નિહાળી ક્ષમાએ પોતાના મનમાં જ આશ્ચર્ય વ્યક્ત કર્યું : ‘આટલો ગંભીર શૃંગાર !' એ શૃંગાર પરાકાષ્ટાએ પહોંચતા નૃત્યગીત એકાએક બંધ થયું અને સહુ ઊભાં થયાં. સહજ અંદરના ભાગમાં યોનિલિંગના સંકેત સરખાં જળાધારી અને બાણની પ્રતિમા સામે અનેક દીપકો ઝળહળી રહ્યા, અને ઘંટનાદસહ શિવની આરતી ઉતારવામાં આવી. સહુએ પૂજ્યભાવે નમન ધ્યાન કર્યાં અને દેવની આરતીની ઉષ્મા આંખે અરાડી... ‘જાતિપૂજન ? છટ્ કેવો બીભત્સ પ્રયોગ ?' ક્ષણવાર ક્ષમાએ અંતરમાં બળપૂર્વક તિરસ્કારવૃત્તિને જાગૃત કરી, પરંતુ આખા મંદિરમાં ક્ષમા સિવાય સર્વના મુખ ઉપર ભવ્ય પૂજ્યભાવ ઉત્પન્ન થયેલો સ્પષ્ટ દેખાયો. આર્યો અને અનાર્યો, ભરતખંડમાં જાતીય સંબંધને અપવિત્ર, છીછલ્લો, હાસ્યપાત્ર કે ઉપેક્ષાપાત્ર ગણતા નથી. ઊલટું એમાં માનવ- ઉત્પત્તિની અગમ્ય અને ભવ્ય ક્રિયા નિહાળી તેનું પૂજન કરી તેમાં ઈશ્વરત્વ આરોપે છે. જાતીય આકર્ષણમાં આવી પૂજ્યભાવના ક્ષમાએ બીજે દીઠી