પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ઉત્તુંગને શિક્ષા : ૯૩
 


ત્રિજટાના આરોપે ઉત્તુંગને જ નહિ પણ સહુને આશ્ચર્ય ઉપજાવ્યું. ત્રિજટાએ સ્પષ્ટતાથી બધી વિગત કહી સંભળાવી. ઉત્તુંગના ટકોરા અને ઉત્તુંગનો કંઠ તેણે ઓળખ્યાં હતાં એ પણ એ પરિચારિકાએ કહ્યું. ‘ઉત્તુંગ એ કરી શકે નહિ.' સુબાહુએ કહ્યું. ‘કેમ ? શા ઉપરથી ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘આપણી વચ્ચે આવ્યા પછી ઉત્તુંગ જરાય ખસ્યો નથી. અને ક્ષમા સંગીત પછી ચાલી ગઈ એમ તો ત્રિજટા કહે છે જ. એ કાર્ય ઉત્તુંગનું નહિ.’ સુબાહુએ દૃઢતાથી કહ્યું. ઉત્તુંગને સુબાહુનો કૃપાભાવ ખૂંચ્યો. સુબાહુના બચાવથી પોતાનું રક્ષણ કરવાની ઉત્તુંગને જરાય ઇચ્છા ન હતી. એના કરતાં તે મૃત્યુને વધારે પસંદ કરે. પરંતુ સુબાહુ સત્ય બોલતો હતો, અને ઉત્તુંગ પણ અસત્યનો વિરોધી હતો. ‘ત્રિજટા ! તેં ઉત્તુંગનો ટકોરો ઓળખ્યો, ઉત્તુંગનો સાદ ઓળખ્યો, પરંતુ ઉત્તુંગનું મુખ ઓળખ્યું હતું ?’ એક જણે પૂછ્યું. ત્રિજટા વિચારમાં પડી. ઉત્તુંગે જ ક્ષમાના મોહમાં પડી પોતાને મૂર્છિત બનાવી ક્ષમાને નાસી જવા દીધી હતી એવી માન્યતાથી સજ્જ થયેલી ત્રિજટાને ઉત્તુંગનું મુખ નિહાળ્યું હોય એમ યાદ ન આવ્યું. વિચારને અંતે તેણે કહ્યું : ‘ના, ઉત્તુંગનું મુખ મેં ઓળખ્યું ન હતું.' ‘ત્યારે ઉત્તુંગને દૂષિત ગણી શકાય નહિ.' સુબાહુએ કહ્યું. ‘હું દૂષિત છું. મારો શિરચ્છેદ કરો.' ત્રિજટા બોલી. ‘ં ક્ષમાને નસાડી મૂકી નથી. તારો શિરચ્છેદ થઈ શકે નહિ.' ઉલૂપી બોલી. “પણ... ઉત્તુંગ ઉપરનો સંશય તો રહે છે જ.' એક મંત્રીએ કહ્યું. ‘સંશય ? મારા ઉપર ? ધૃતરાષ્ટ્ર ! જરા સંભાળીને બોલ.’ ઉત્તુંગે કહ્યું. ‘જો સર્વની ઇચ્છા હોય તો આપણે શિવની પ્રાર્થના કરીએ કે તેમની આણ જરા ખસેડી લે.' ઉલૂપી બોલી. શિવના સાન્નિધ્યની બહાર જઈ ઉલૂપી સંઘપતિ તરીકેની સત્તા વાપરવા ઇચ્છતી હતી, એમ એ વાક્યથી સ્પષ્ટ થયું. મંત્રીઓને તેમાં કાંઈ વાંધો ન લાગ્યો. સત્યપ્રિય ઉત્તુંગને ઉલૂપીની સત્તાનો ભય ન હતો, કારણ તે જાણતો હતો કે તેણે ક્ષમાને કદી નસાડી નથી, એટલે ઉત્તુંગે પણ એમાં કાંઈ વાંધો ન લીધો. વાંધો લીધો માત્ર એક ધર્માધ્યક્ષે.