પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪ : ક્ષિતિજ
 


જાદુગરોના શિવ સમીપમાં ગુનો થયો છે; શિવ પાસે જ નિરાકરણ માગો.’ ધર્માધ્યક્ષે કહ્યું. શિવ પાસેનું નિરાકરણ એટલે પૂજારીઓના વિચિત્ર ભયપ્રદ પ્રયોગો, મંત્રોચ્ચાર, મસ્તકધુનન, પશુવધ, મદિરાપાન અને પૂજારીઓની માદક વાણી. એ વાણીએ અનેક નિર્દોષોને દૂષિત ઠરાવ્યાના પ્રસંગો ઉલૂપી જાણતી હતી. તેના નેતૃત્વમાં તેણે એ વાણીનો - એ ધર્મનિર્ણયનો કદી આશ્રય લીધો ન હતો. ધર્માધ્યક્ષ સિવાય સહુ કોઈ તેના આ વલણથી રાજી હતા. ઉત્તુંગને પણ ભૂવાઓની નશાભરી વાણીમ નિર્ણય આપવાનું બળ દેખાતું ન હતું. એટલે તેણે ઉલૂપીને સર્વથા અનુમોદન આપ્યું હતું. પરંતુ અત્યારે કોણ જાણે કેમ તેણે ધર્માધ્યક્ષને ટેકો આપ્યો ‘હું ધર્માધ્યક્ષના કથનને માન્ય ગણું છું. આપણે પ્રભુ પાસે નિર્ણય માગીએ.' ‘ઓ મૂર્ખ ! આપણી શક્તિ ન હોય ત્યારે પ્રભુ પાસે માગણી થાય હમણાં નહિ.' ઉલૂપી બોલી ઊઠી. ‘તારામાં નિર્ણય કરવાની શક્તિ છે ?’ ધર્માધ્યક્ષે પૂછ્યું. ‘અલબત્ત, સંઘપતિથી નિર્ણય ન થાય ત્યારે જ દેવ સમક્ષ જવાય હું નિર્ણય આપવા સમર્થ છું.' ઉલૂપી બોલી. ઉલૂપીની આંખમાં - ઉલૂપીના કંઠમાં આશાનો પરચો દેખાયો - સંભળાયો. મોહક મૃદુતાભરી ઉલૂપીનું સૌન્દર્ય જરા ક્રૂર - અસ્પૃશ્ય બની ગયું. તે રંગમંડપમાંથી ચાલી બહાર ચોકમાં આવી. તેની પાછળ સહુ કોઈ ઘસડાયું. ઉલૂપી ઊભી રહી અને તેની સામે તેનું પ્રધાનમંડળ ઊભું રહ્યું. ગર્વભરી ડોક સહજ ઊંચકી ઉલૂપીએ તીક્ષ્ણ સ્વરે પૂછ્યું : ‘ઉત્તુંગ ! ક્ષમા તને સોંપી હતી, ખરું ?' ‘હા.’ નમ્રતાથી ઉત્તુંગ બોલ્યો. મંદિરના રંગમંડપમાં તેણે દર્શાવેલી સ્વાતંત્ર્યછટા અહીં આછી બની ગઈ. શિવસાન્નિધ્યથી દૂર થતી ઉલૂપી સંઘપતિ તરીકે અમર્યાદિત સત્તા ભોગવતી હતી. ‘તારી ભાળવણીમાંથી તે ચાલી ગઈ. નહિ ?' ‘હા.’ તારી નિષ્કાળજી માટે તને શી સજા કરું ?' ‘જે યોગ્ય લાગે તે.’ ‘ઉલૂપી કાંઈ બોલે તે પહેલાં સુબાહુ જરા આગળ આવ્યો. ઉલૂપી તેને આગળ આવતો જોઈ સહજ અટકી.