પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુનો નાગપ્રજા સાથે સંબંધ : ૧૦૯
 


સંબંધ સર્વથા ત્યાજ્ય ગણવો ? ત્રણે માર્ગ મુશ્કેલ હતા. ઉલૂપી આર્યોને સહાય આપવા માટે ઉત્સુક હતી. ઉત્તુંગ તેનો સિદ્ધાન્ત તરીકે વિરોધ કરતો હતો. ઉત્તુંગની માન્યતા મંત્રીમંડળના મુખ્ય ભાગને ગમતી હતી. છતાં કશો માર્ગ શોધવાની સહુને ઇચ્છા હતી. એકાન્ત મળતાં ઉત્તુંગને ઉલૂપીએ કહ્યું : ‘ઉત્તુંગ ! તું શા માટે તારા મિત્રનો વિરોધ કરે છે ?’ ‘મિત્રનો સિદ્ધાન્ત ખાતર હું વિરોધ કરું છું. આર્ય અને નાગપ્રજા મિત્ર બની શકે જ નહિ.’ ઉત્તુંગે કહ્યું. ‘વ્યક્તિ મિત્ર બની શકે; પ્રજા જ મિત્ર ન બને એમ તું માને છે ?’ ‘ા.’ ‘તું જ કહેતો હતો કે સુબાહુ ગયા યુદ્ધમાં આર્યોથી અલગ રહ્યો હતો. એ અલગ રહ્યો એથી આપણને વિજય મળ્યો.' ‘તો પછી સુબાહુ નાગ કેમ બનતો નથી ?' ‘એ નાગ બનશે તો તારો હરીફ બની જશે એ તું જાણે છે ?' ઉત્તુંગને જાણે નવી દૃષ્ટિ મળતી હોય એમ લાગ્યું. ઉલૂપી શું સુબાહુ પ્રત્યે કશું આકર્ષણ તો અનુભવી રહી નહિ હોય ? સુબાહુ આર્ય તો હતો જ. તે નાગ બનતાં પહેલાં જ ઉત્તુંગનો હરીફ બની ગયેલો લાગ્યો. સુબાહુ પ્રત્યે તેના મનમાં કોઈ અકથ્ય વેર ઝબકી ઊઠ્યું. ‘માટે તું નાગપ્રજાને આર્ય બનાવવા મથી રહી છે, નહિ ?” ઉત્તુંગે કટાક્ષથી કહ્યું. ઉલૂપીને એ કટાક્ષ સમજાયો નહિ. ‘સીધી વાત કહે. પુરુષોની આંટીઘૂંટી હું સમજી શકતી નથી.’ ઉલૂપી બોલી.. ‘સુબાહુ નાગ બને કે આર્ય રહે તોપણ તે મારો હરીફ તો રહેવાનો જ ને?’ ‘શી રીતે ?’ ‘સુબાહુ નાગ બને તો ઉલૂપી નાગકન્યા રહે; સુબાહુ આર્ય રહે તો ઉલૂપી આર્ય બને; નહિ ?’ ‘એમ પણ થાય. તેમાં તારે શું ?' ‘એક નાગકન્યાને આર્ય બનતી અટકાવવી એ હું મારો ધર્મ સમજું છું.' ‘તારો ધર્મ તારી પાસે રાખ. હું મારો ધર્મ પણ સમજું છું. ‘ઠીક તું એમ જ કહે ને કે તને ઉત્તુંગ કરતાં સુબાહુ વધારે ગમે છે ?’