પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦ : ક્ષિતિજ
 


‘કહેવાની રાહ જોતાં સુધી સમજે નહિ એ મૂર્ખાઇ નાગ પ્રજામાં જ જોવામાં આવે છે.’ ‘હું જોઉં છું કે તું કેમ આર્ય બને છે ! નાગપ્રજા આવેશભરી પ્રજા હતી. તેનાં હર્ષ, શોક, વેર, પ્રેમ, ઇર્ષ્યા, ઉદારતા વીજળીની ઝબકથી ઊઘડતાં. આર્યો સાથેના સંબંધ અને ઘર્ષ ણમાં આવેશ ઘણી વખત કારણભૂત બનતો. ઉત્તુંગ ધમકી આપી ત્યાંથી ખસી ગયો. ઉલૂપીએ પોતાનું હૃદય તપાસ્યું. ઉત્તુંગ પ્રત્યે ઉપજેલો ક્રોધ તેણે શમાવી દીધો. એ ક્રોધની પાછળ ઉત્તુંગ પ્રત્યે કેવો ભાવ રહેલો હતો તેની એણે સમીક્ષા કરી. ઉત્તુંગ પ્રત્યે તેને માન હતું. ઉત્તુંગના વિજયમાં તેને આનંદ થતો. ઉત્તુંગના સંગીતમાં તે અનેક શીળા ભાવ અનુભવતી. તેને મિત્ર બનાવવા, તેની સાથે વાતો કરવા, તેની સાથે વિનોદ કરવા તે ઉત્સુક રહેતી. પરંતુ તેનું મન ઉત્તુંગે હજી સુધી હર્યું નહોતું. મનહરણ થયું હોત તો ઉલૂપીએ ઉત્તુંગ સાથે લગ્ન કર્યાં ન હોત ? ઉત્તુંગ અકળાતો હતો એની પણ ઉલૂપીને ખબર હતી. છતાં ઉત્તુંગ પ્રત્યે તેને પ્રેમ છે એમ જાહેર કરતાં તેનું મૅન અટકી જતું હતું. અને સુબાહુનો પરિચય ? એ કાંઈ જુદા જ ભાવ ઉત્પન્ન નહોતો કરતો ? અને એમાં ખોટું પણ શું હતું ? આર્ય અને નાગનો ભેદ ઉલૂપીને આજ બહુ વસમો લાગ્યો. જાતિભેદ આવા સ્વયંભૂભાવની પણ વચમાં આવી શકે ? તેને લાગ્યું કે તે નાગકન્યા મટી જાય તો વધારે સારું. મંત્રણાનું પરિણામ કાંઈ આવ્યું નહિ. એક પરિણામ એ આવ્યું કે સુબાહુને બંધનમાં રાખવો. સુબાહુને ઉલૂપીએ એ નિર્ણય - અર્ધ નિર્ણય જણાવ્યો. ‘સુબાહુ ! તારો મિત્ર તને બંધનમાં રાખવા માગે છે.’ ઉલૂપીએ કહ્યું. ‘કેમ ?’ ‘તું આર્યતા લઈને આવ્યો માટે.’ ‘કયો મિત્ર ?’ ‘ઉત્તુંગ.’ ‘એમ ? પણ તું શા માટે એ ગુપ્ત વાત મને જણાવે છે ?’ ‘મેં સભામાં જ જાહેર કર્યું છે. વિશ્વાસ આપી જેને મિત્ર તરીકે હું બોલાવી લાવી તેનો વિશ્વાસઘાત હું ન કરી શકું.’ ‘સારું. હરકત નહિ.'