પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬ : ક્ષિતિજ
 


‘પેલી છોકરી હજી ખસતી નથી, ખરું ?' સુકેતુએ પૂછ્યું. ‘એ નહિ ખસે. એ નાગણીએ ક આર્યોનાં ટોળાં પાછાં વાળ્યાં છે. પાસેના સૈનિકે જવાબ આપ્યો. ‘એને મૃત્યુ જ વહાલું લાગે છે, હવે નહિ છોડું.' સુકેતુ બોલ્યો. ‘ઉલૂપી દેખાતી નથી, બીજું કોઈક છે.' ‘હ્યાં... હાં... એ ઉત્તુંગ લાગે છે, નાગસેનાપતિ ! આવવા દે.’ સુકેતુએ કહ્યું. જોતજોતામાં ઉત્તુંગની હોડી આવી પહોંચી. બંને નાવ વચ્ચે બાણનાં સ્વાગત શરૂ થઈ ગયાં. બખ્તરસજ્જ યુદ્ધનૌકાઓ ઉપર વરસતા તીરના વરસાદે બખ્તરો ભેદવાં શરૂ કર્યા. કવચ અને ટોપમાં સજ્જ બનેલા સૈનિકોની ઢાલ ઉપર ઝિલાતાં તીર ક્યારેક નિરર્થક બનતાં, તો ક્યારેક ઢાલને નિરર્થક બનાવતાં. તીરના વરસાદ વચ્ચે થઈને એ હોડીઓ પાસે આવી જતી અને વળી પાછી આઘી ખસી જતી. ઘેરી લો એને, જવા ન દેશો.' સુકેતુએ બૂમ મારી. પાંચ-સાત હોડીઓ આગળ પાછળ ખસવા લાગી અને ઉત્તુંગની હોડીની આસપાસ સ્થાન લેવા મથી રહી. ચારે પાસના મારાને ન ગણકારતી ઉત્તુંગની હોડીએ પોતાની નજીક આવવા મથતી દુશ્મનની નાવને વારંવાર પાછી હઠાવી. ‘શું કરો છો ? પાછા હઠવા બધા આવ્યા છો ?' સુકેતુએ બૂમ પાડી. બમણા બળથી આર્ય હોડીઓ આગળ વધી. પરંતુ ઉત્તુંગે પોતાની આસપાસ બાણનો કોટ ચણી લીધો. એ કોટ ભેદી શકાયો નહિ. સુકેતુની હોડીઓ જરા પાછી પડી. થાક્યા હો તો પાછળ જાઓ. નાગપ્રદેશ ઉજ્જડ કરીને જ આપણે અટકવાનું છે, તે પહેલાં નહિ.' સુકેતુએ ગર્જના કરી અને શંખ વગાડ્યો. શંખનાદે તેના સૈન્યમાં નવું બળ પ્રેર્યું. હોડીઓ ફરી આગળ ધસી. પરંતુ તેમનો ધસારો અટકી ગયો. હોડીઓની વચ્ચોવચ બેત્રણ જબરજસ્ત પથ્થરના ગોળાઓ આવીને પડ્યા, અને એક હોડી તેના પ્રહારથી તદ્દન ભાંગી ગઈ. માણસો ધવાયાં, મરાયાં અને પાણીમાં પડ્યાં. ઉત્તુંગની હોડીમાં નવી ઢબનું યંત્ર ગોઠવાયું હતું. એ યંત્રની સહાય વડે ઘણે દૂર સુધી મોટા મોટા પથ્થરો ફેંકી શકાતા હતા. સુકેતુને ખબર હતી કે એ યંત્રની રચના ઉત્તુંગ જાણતો હતો. પરંતુ નાગલોક એ યંત્રનો ઉપયોગ કરતા હતા તેની આજે જ સુકેતુને ખબર પડી. કિલ્લાઓ અને મોરચાબંદ યુદ્ધમાં જ એ યંત્ર વાપરી શકાતું હતું. સુબાહુ અને સુકેતુએ એવાં યંત્રો