પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮ : ક્ષિતિજ
 


‘એક જૂનો મિત્ર ગયો. બીજો બાકી છે તેને હું અત્યારે રમાડી લઉં.' ઉત્તુંગ બોલ્યો, અને સુકેતુની સામે થવા તેણે પેંતરો માંડ્યો. જૂનો મિત્ર ગયો એટલે ?' સુકેતુની આંખ ચમકી રહી. ‘હજી સમજતો નથી ? હું સુબાહુની વાત કરું છું.' ‘સુબાહુનો વાળ પણ વાંકો થયો હશે તો હું જગતભરના નાગોનો યજ્ઞ કરીશ.' ‘યજ્ઞ કરજે. એમાં હોમાશે કોણ એટલો જ પ્રશ્ન છે.’ ‘સુબાહુ ક્યાં ? બોલ !’ ખડ્ગ ઉગામી સુકેતુ બોલ્યો. ઉત્તુંગે જવાબમાં અટ્ટહાસ્ય કર્યું. કડકડકડ અવાજ કરી પડતાં વૃક્ષોનો એ હાસ્યમાં જાણે પડઘો પડી રહ્યો ન હોય ! હાસ્ય પૂરું થતાં પહેલાં સુકેતુએ વીજળીની ત્વરાથી ઉત્તુંગ ઉપર પ્રહાર કર્યો. સુકેતુને નાનપણથી ઓળખી રહેલા ઉત્તુંગે હાસ્ય સમયે સાવધાનતા ખોઈ ન હતી. તેણે ઢાલ આડી ધરી દીધી અને આર્ય તથા નાગ સેનાપતિઓ વચ્ચે દારુણ દ્વંદ્વયુદ્ધ શરૂ થઈ ગયું. બંને પક્ષના સૈનિકો ભાન ભૂલ્યા અને દ્વંદ્વયુદ્ધ નિહાળવામાં ગૂંથાયા. બલની મૂર્તિ સમો કદાવર ઉત્તુંગ સ્ફૂર્તિની મૂર્તિ સમા સુકેતુને હસતો હતો. પરંતુ એક બે પ્રહાર નિષ્ફળ નીવડતા ઉત્તુંગનું તિરસ્કારભર્યું હાસ્ય મહારોષમાં ફેરવાઈ ગયું. વીજળીઓની પરંપરા ચાલતી હોય એમ શમ શેરો ચમકી રહી. તેમની અથડાઅથડીમાંથી અંગારા ખરવા લાગ્યા. બંને યોદ્ધાઓને આછા આછા ઘા થવા લાગ્યા. શસ્ત્રનિપુણતાના અભિમાન વાળા એ બંને વીરોને ભાગ્યે જ શસ્ત્ર આજ સુધી અડક્યું હશે. તેમની દક્ષતાએ આજ સુધી ઘોર યુદ્ધમાં પણ તેમને ભારે ઘાવમાંથી ઉગારી લીધા હતા. આજ તેમના દેહને ખગસ્પર્શ વારંવાર થવા લાગ્યો. બંનેનાં શસ્ત્રખેલન કલામય હતાં, પરંતુ એ કલા જોના૨ને જ લાગે. કલાકારો તો જીવન હાથમાં લઈ શસ્ત્રદાવ ખેલતા હતા. બેમાંથી કોઈને થાક લાગતો પણ જણાયો નહિ. એક ક્ષણે એમ લાગતું કે વજાંગ ઉત્તુંગ જીતી જશે. બીજી ક્ષણે એમ લાગતું કે ચપલતાની મૂર્તિ સમો સુકેતુ જીતશે. દ્વંદ્વ યુદ્ધ ચોક્કસ જામ્યા પછી દુશ્મનો પણ એ દ્વંદ્રુમાં ઉમેરો કરતા નહિ. કેટલીક વખત યુદ્ધમાં રમતના સિદ્ધાન્તોનું પાલન કરવામાં આવે છે. એક પાસ અગ્નિનૃત્ય ચાલતું હતું. બીજી પાસ - અગ્નિનૃત્યની વચમાં સરલ વહેતી નદીની છાતી ઉપર - માનવીનું યુદ્ધનૃત્ય ચાલતું હતું.