પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વનદાહ કે હ્ર્દયદાહ : ૧૨૧
 


સંઘપતિએ કહેલી વાત ખરી હતી. તેના કહેતાં બરોબર એક ઘડી આવી અને તેમાંથી મંત્રીમંડળ તેમ જ અન્ય કાર્યવાહકો ઉત્તુંગની હોડીમાં ઊતર્યા. સહુ સંઘપતિને વીંટળાઈને બેઠા. ‘હું હવે જઈશ. માત્ર એક વસ્તુ જાણીને જાઉં તો મને મૃત્યુ વધારે ગમે.’ સંઘપતિએ કહ્યું. ‘આપ કહો. શું જાણવું છે ?' બીજા વૃદ્ધ મંત્રીએ પૂછ્યું. ‘મારી પછી કોને સંઘપતિ નીમશો ?' સહુએ એકબીજાની સામે જોયું. સંઘપતિની જવાબદારીઓ અને તેને માથે રહેલાં જોખમો કોઈ પણ વ્યક્તિને ભયગ્રસ્ત કરે એવાં હતાં. સંઘપતિ થવામાં વ્યક્તિસ્વાતંત્ર્ય સમૂળગું ગુમાવવું પડે એમ હતું. ‘આપ કોને માટે સૂચન કરો છો ?’ એક મંત્રીએ પૂછ્યું. ‘હું તમારું સૂચન જાણવા માગું છું. મારા મંત્રીમંડળને આંખ હોવી જોઈએ.’ ‘અમારી આંખ બે વ્યક્તિ તરફ વળે છે.’ ‘કોણ કોણ છે એ ?’ સંઘપતિએ પૂછ્યું. ‘ઉત્તું....’ ‘અને ઉલૂપી.’ બસ. હવે વધારે જીવવાની જરૂર નથી. જય શેષ ! જયશંકર !' કહી. આરામથી હસતે ચહેરે સંઘપતિએ પ્રાણ છોડ્યો. બીજે દિવસે સમગ્ર જનપદની સભામાં ઉત્તુંગની સૂચના પ્રમાણે ઉલૂપીને સંઘપતિ ચૂંટવામાં આવી. ‘ઉત્તુંગ ! મને સંઘપતિ બનાવવામાં તું ભૂલ કરે છે.' સૂચના પહેલાં ઉલૂપીએ કહ્યું. ‘હું જાણું છું. પણ મને એક સંતોષ રહેશે.’ ઉત્તુંગે કહ્યું. ‘તું મારી નજર આગળ રહી શકશે.’ ‘સ્વાર્થી ! મારું જીવન ભગ્ન કરવાની આ લાલસા ?' ‘તું આર્ય નહિ બને એટલું મારે માટે બસ છે.’ સંઘપતિ બનેલી ઉલૂપીએ તે દિવસે એકાંતમાં રુદન કર્યું. તેને સુબાહુ સાથે જવું હતું, આર્ય બનવું હતું.