પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧૫
 

ખૂલેલાં હ્રદય
 


સુબાહુને ઉલૂપીના બંધનમાં રાખવાની સૂચનાથી અવિશ્વાસભર્યો કટાક્ષ કરનાર ઉત્તુંગ ઉલૂપીને સંઘપતિ બનાવી પોતાનો એક હેતુ સિદ્ધ કરી શક્યો ઃ સંઘની ઇચ્છા હોય ત્યાં સુધી સંઘપતિથી નાગલોક છોડાય નહિ. ઉલૂપીના એકાન્ત રુદનની તેને ખબર પડી હતી. પરંતુ ઝડપથી ઉલૂપીએ રુદન છોડ્યું, અને સંઘપતિનું કાર્ય અત્યંત દક્ષતાથી ચલાવ્યું. સંઘપતિની સત્તાનો ઉપયોગ સુબાહુ અને સુકેતુની મૈત્રી વધારવા તેણે કર્યો. આખી નાગપ્રજા આર્ય બની જાય એવા તેના કોડમાં સુબાહુનું આકર્ષણ હશે કે મુત્સદ્દીની દીર્ઘદૃષ્ટિ હશે એ કહી શકાતું નહિ. અને જોકે એ નાગપ્રજાને આર્ય બનાવી શકી નહિ, પરંતુ તે તેમને આર્યપ્રજાની બહુ નજીક લાવી શકી. ઉત્તુંગ માત્ર એ કાર્યમાં તેનો ભયંકર વિરોધી બની ગયો હતો. કદાચ એની જ અસર નાગપ્રજાને આર્યતામાં ભળતાં અટકાવતી હતી. ઉલૂપીને સંઘપતિના બંધનમાં બાંધી રાખી સંતુષ્ટ થયેલા ઉત્તુંગને તે ક્ષમાના અણધાર્યા અદર્શનથી દેશવટો આપી દૂર કરી શકી હતી. તેના વ્યક્તિગત પ્રેમજીવને તેના જાતિસંસ્કાર સામે પ્રબળ યુદ્ધ આદર્યું હતું. ઉત્તુંગને દૂર કરી શકેલી ઉલૂપીએ મહાન કાર્યને અંગે થાકી ગઈ, અને તેણે માનવ- નિર્બળતાની એક ક્ષણે પોતાનો સ્પષ્ટ પ્રેમ સહુ સાંભળે એમ સુબાહુ સમક્ષ જાહેરમાં વ્યક્ત કર્યો. પરંતુ સુબાહુ ઉલૂપીને ચાહતો હતો ? ઉલૂપીને જ એ ચમકાવતો પ્રશ્ન સ્ફુર્યો શા માટે એ પ્રશ્ન ઉદ્ભવ્યો ? ઉલૂપીનું સાન્નિધ્ય સુબાહુને ગમતું હતું. ઉલૂપીની અનાર્ય ઉમ્બંખલતા પ્રત્યે સુબાહુએ અણગમો બતાવ્યો ન હતો. ઉલૂપીના પ્રેમની ઊડતી વાતનો તેણે કદી વિરોધ કર્યો ન હતો. અને ઉલૂપીએ ક્વચિત્ કરેલાં સ્પષ્ટ સૂચનો તેણે તિરસ્કાર્યાં ન હતાં. પછી એ પ્રશ્ન શા માટે ઊઠ્યો ? ‘સુબાહુ ! મારે થાક ઉતારવો છે.' ઉલૂપી બોલી. ‘તારે એની બહુ જરૂર છે. હું જાઉં છું. તું દેવાલયના કોઈ દીવાન- ખાનામાં આરામ લે.' સુબાહુએ કહ્યું.