પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખૂલેલાં હ્રદય : ૧૨૩
 


‘તું કયાં જાય છે ?' ‘હું કારીગરોનો એક કાફલો મોકલાવું. રોમન નૌકાસૈન્ય અહીં આવે તે કરતાં આપણે જ તેમના પ્રદેશ ઉપર ધસી જઈએ તો ?’ ‘સુબાહુ ! આજની રાત અહીં જ રહી જા.' ‘તારે થાક ઉતારવો છે ને ?’ ‘તને હજી સમજાતું નથી કે તું રહીશ તો જ મારો થાક ઊતરશે ?’ સુબાહુએ ઝાંખા પ્રકાશમાં ચારે પાસ ઝડપથી જોયું. નાગસૈનિકો જાગૃત હતા. એકબે મુસદ્દીઓ પણ નીચાં મકાનોમાં પ્રવેશ કરી રહ્યા હતા. ‘ભલે. હું રહી જઈશ. પણ સવારે તો મારે જવું જ જોઈએ.' સુબાહુએ કહ્યું. ‘સારું.’ ‘તારા સ્થાન સુધી હું મૂકી જાઉં ?' સુબાહુએ પૂછ્યું. ઉલૂપીએ તેની કાળી તેજસ્વી આંખ સુબાહુની આંખ સામે જોડી. એ આંખ અનેકાનેક ભાવ ઉચ્ચારી રહી હતી. એ ભાવની પાછળ અકથ્ય ભૂખ છુપાઈ હતી. સુબાહુ નાગકન્યાઓની મોહિનીથી છેક અપરિચિત ન હતો. પરંતુ ઉલૂપીની આંખમાંથી ઊડી રહેલાં શર સુબાહુને પણ હૃદયભેદક લાગ્યાં. દેશપરદેશની વિલાસભાવના તેણે નિહાળી હતી. એ વિલાસથી પર રહી શકેલા સુબાહુને લાગ્યું કે તેનું હૈયું આજ વીંધાઈ રહ્યું હતું. તેના વિસ્મયને વધારતો કંઠ સંભળાયો : મને એકલી જતાં બીક લાગે છે !' ઉલૂપી બોલી. ‘એમ નહિ. પણ તને મૂકીને જ જાઉં.’ ‘ક્યાં જઈશ તું ?’ ‘કેમ ? અતિથિગૃહમાં વળી.’ ‘અતિથિગૃહમાં નહિ, મારી સાથે તારે રહેવાનું છે.' ‘શું ? આ રાત્રે ?’ ‘ા. અત્યારે જ ચાલ.’ ઉલૂપીએ સુબાહુનો હાથ પકડ્યો, અને તેને પોતાની સાથે ખેંચ્યો. નાગહૃદય અત્યંત સંયમી રહી શકે છે એ સુબાહુ જાણતો હતો. પરંતુ એ હૃદય મર્યાદા મૂકે ત્યારે બીભત્સ પણ બની શકે છે એની પણ સુબાહુને ખબર હતી. યુગયુગથી રુધિરમાં સંક્રાંત થતી આવતી કોઈ નાગ- વિલક્ષણતા ઉલૂપીના સંયમને શું તોડી પાડતી તો ન હતી ? ‘એ વર્ષે મેં તારી જોડે નૃત્ય કર્યું હતું તે યાદ છે ?’ સુબાહુએ પૂછ્યું.