પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨ : ક્ષિતિજ
 


કરીને પણ નાગપ્રજાને મિત્ર બનાવવાનો તેનો આગ્રહ હતો. એ આગ્રહ ઉલૂપીએ આજ તોડાવ્યો હોત - જો સંગીત અધવચ તૂટી ગયું ન હોત તો ! શી સંગીતની અસર ! વારંવાર સંગીત તેને કાને અથડાયા જ કરતું હતું. શાન્ત અને અંધારી રાત તારાની ચમક વધાર્યે જ જતી હતી. નાનાં ટપકાં જેવી તારાટીલડીઓમાંથી અત્યારે પ્રફુલ તેજપુષ્પ ફૂટી નીકળ્ય હતાં. રસ્તા ઉપર વૃક્ષઘટાઓમાંથી આકાશના ટુકડાઓ દેખાયા કરતા જાણે હીરાજવાં મખમલ. મંદમંદ લહેરાતો મરુત વૃક્ષડાળોને આછો આછો હીલોળો આપતો હતો : જાણે સંકોચભરી મુગ્ધાઓને હસાવતો કોઈ દક્ષ નાયક ન હોય ! અને વાતાવરણમાંથી વહેતો રિમલ આખા વનને ચન્દનનો ઢગલો બનાવી રહ્યો હતો. આજે સૃષ્ટિ શૃંગારના ભાગ અનુભવી રહી હતી શું ? હતા પણ સૃષ્ટિના શૃંગાર અને સુબાહુના ભાવનો શો સંબંધ ? સૃષ્ટિ વિલાસી બને એથી સુબાહુને વિલાસી બનવાનો શો અધિકાર ? શા માટે ઉલૂપીનું સાત્રિધ્ય અને સાત્રિધ્ય સમયનું સંગીત તેને યાદ આવ્યા કરતું હતું ? સૃષ્ટિનો એક નાનકડો ટુકડો એટલે સુબાહુ નહિ ? સૃષ્ટિ ગુંજે ત્યારે સૃષ્ટિનો ટુકડો પણ ગુંજે ! તેનાથી ઉલૂપીને પ્રિયતમાનું સંબોધન કરી જવાયું. પ્રિયતમા શબ્દ સુબાહુએ કાવ્યમાં જ વાંચ્યો હતો. તેનો આવો સ્પષ્ટ ઉચ્ચાર અને તેનું એક જીવંત સ્ત્રીને સંબોધન એ તેણે પ્રથમ જ એ અનુભવ્યાં. ઉલૂપી તેને પ્રિય હતી ? આખા જીવનનું એ ઉલૂપી શું કેન્દ્ર હતી? આર્ય અનાર્યની એકતામાં તે ઉલીપીને મેળવવા મથતો હતો ? ત્યારે આર્યાવર્તને રોમક આક્રમણથી ઉગારવાની વૃત્તિ ક્યાંથી થઈ આવી ? સૃષ્ટિમાં - જીવનમાં તેનું ધ્યેય શું ? સુબાહુએ શા માટે જન્મ લીધો ? ઉલૂપીને મળવા કે રોમન સૈન્યનો પરાભવ કરવા ? તેણે ક્ષિતિજમાં દૃષ્ટિ ફેંકી. તારાઓ ઝાંખા થતા જણાયા. પ્રભાત પાસે આવતું દેખાયું. માર્ગમાં સ્ત્રી અને પુરુષોનાં પડેલાં પગલાં તેણે પરખ્યાં. ક્ષમા અને ઉત્તુંગ આ જ માર્ગે ગયા એવી તેની ખાતરી થઈ. આ માર્ગમાં તે પાછો તપતીને કિનારે પહોંચશે એમ તેણે નક્કી કર્યું. અને ક્ષમા તથા ઉત્તુંગ તેના જલચોકીદારોના હાથમાં જ પકડાશે એમ તેણે નિશ્ચય કર્યો. સૂર્ય હજી પૂર્વથી થોડે દૂર હતો. તેણે થોડી ક્ષણ વિસામો લેવાનો વિચાર કર્યો. દેહના થાકથી તે પરિચિત ન હતો. પરંતુ આજનો માનસથાક તેના દેહને પણ થકવી રહ્યો હતો. પરંતુ સુંદરી, સંગીત અને વનશ્રીના સ્પર્શે તેના મનને હલાવી નાખ્યું હતું. મનમાં ઉત્પન્ન થતા કુમળા, મોહક, આહ્લાદક ભાવની સામે થવાનો તેનો પ્રયત્ન હતો. સંયમ ઘણી વાર દેહને