પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬ : ક્ષિતિજ
 


‘તરતાં આવડે છે ?’ સ્ત્રીએ સામું પૂછ્યું. ‘હા.’ ‘તો પાણીમાં આવ, અને પછી પૂછ કે હું કોણ છું. સુબાહુ સરોવરનાં પગથિયાં ઊતર્યો. સ્ત્રી તરતી તરતી પગથિયાં પાસે આવી. સુબાહુએ ચારેપાસ જોયું. ચારેપાસથી બંધ કરેલી ઓરડીના સરખું એકાંત કિલ્લાની અંદર હતું. ‘આપણે બે જ જણ અહીં છીએ - એકલાં.’ સ્ત્રીએ કહ્યું. ‘તું કોણ છે ?’ સુબાહુએ પૂછ્યું. ‘જગતનાં વેરનું હું ઝેર છું. જગતની પશુતાનું હું બલિદાન છું.’ ‘મને સમજાયું નહિ.’ ‘સમજાશે - આપણે ભેગાં રહીશું તો.' ‘પણ તું અહીં કરે છે શું ?' આ જળમાં મારો આતશ બુઝાવું છું.’ ‘તને કાંઈ થયું છે ?’ ‘ઘણું થયું છે. તું મારી પાસે આવે તો બધું કહું.' પાસે ? હું સ્ત્રી પાસે જતો નથી.' સ્ત્રીએ એક પાછું ભયંકર હાસ્ય કર્યું, અને તે બોલી : ‘સ્ત્રીની પાસે ન જનાર પુરુષ જગતમાં જન્મ્યો નથી !' ખરું છે. પરંતુ હું સામાન્ય રીતે મારી વાત કરું છું.' ‘સ્ત્રીથી નાસવાનું કંઈ કારણ ?’ ‘સ્ત્રીને સંપૂર્ણ રીતે ઓળખું નહિ ત્યાં સુધી હું તેનાથી ભય પામું છું. સુબાહનુ એ વાક્ય સાંભળી જલસુંદરીએ સુબાહુ સામે ધારીને જોયું. ગળા સુધી પાણીમાં ઊભેલી એ સ્ત્રીનો સુંદર દેહ પાણીના પટમાં વધારે સૌંદર્ય ધારણ કરતો હતો. થોડી ક્ષણ સુધી સુબાહુ સામે જોઈ રહી. તેણે પૂછ્યું : ‘મારામાં ભય પમાય એવું કાંઈ જોઈ શકે છે ?’ ‘ના, તારો દેહ તો સૌન્દર્યવેલ છે.’ ‘ત્યારે એ વેલ જ્યાં વળગે ત્યાં વળગવા દે. હું પુરુષને ખોળું છું. હું પુરુષની ભૂખી છું.' તે સુંદરી જળની બહાર નીકળી સુબાહુની પાસે આવી ઊભી. નીરભર્યો દેહ અને દેહને સ્પષ્ટ કરતું આછું વસ્ત્ર તેના આહ્વાનમાં અલૌકિક બલ ઉમેરી રહ્યાં. સહજ સંકોચથી સુબાહુએ કહ્યું :