પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭

સુબાહુંનું નિરાધારપણું
 


મહેલમાં સંપૂર્ણ સુખસાધન ગોઠવાયલાં હતાં. બહારથી દુર્ગ તરીકે ટ્રખાતી ઈમારત અંદર એક રાજમહેલના વૈભવથી ભરેલી હતી. મહેલમાં દોડીને પેસતાં બરોબર તેને કોઈ રોકશે એમ સુબાહુએ ધારી લીધું હતું, પરંતુ તેને કોઈએ રોક્યો નહિ, એટલું જ નહિ, પરંતુ કોઈ પણ પ્રકારનો માનવવસવાટ નજરે પડ્યો જ નહિ, મહેલ આટલી સમૃદ્ધિ સાથે ખાલી કેમ હતો ? મહેલમાંથી આવેલો સ્ત્રીનો સાદ ગૂંગળાઈ જતો હતો એવો તેને ભાસ થયો હતો. એ સાદ અને સાદને ગૂંગળાવનાર ક્યાં અદૃશ્ય થઈ ગયાં હશે ? કાળજીપૂર્વક તેણે મહેલના ઓરડા તપાસ્યા, થોડી વાર ઉપર આ મહેલમાં માણસો વસતાં હોવાં જોઈએ એમ તેને લાગ્યા કરતું હતું. છતાં કોઈ માનવીનો પડછાયો સુધ્ધાં તે જોઈ શક્યો નહિ, ઓરડે ઓરડે તે ફર્યો. ઝરૂખાઓમાંથી તેણે દુર્ગ બહા૨ દૃષ્ટિ ફેંકી. પર્વતમાળાઓ સ્થિરતાથી વેરાયેલી નજરે પડી. તેણે દુર્ગના અંદરના ભાગમાં દૃષ્ટિ ફેંકી. વિષકન્યા સરોવરમાં વસ્ત્રરહિત બની તર્યા કરતી હતી. આખી સૃષ્ટિમાં અત્યારે જાણે બે જ જીવંત મનુષ્યો હોય એમ તેને દેખાયું : એક સુબાહુ પોતે, ને બીજી વિષકન્યા. સુબાહુએ અનેક પ્રસંગે ભયાનક અંધકાર અને કાતિલ એકાન્ત અનુભવ્યાં હતાં. આજ તેને લાગ્યું કે તેણે કદી ન જોયેલું એવું રાક્ષસી એકાન્ત તે અનુભવી રહ્યો છે.

બારીમાંથી તેણે સરોવર તરફ નિહાળવા ડોક લંબાવી. વિષકન્યા તરતી તરતી હસવા લાગી. સંભળાય એટલું પાસે આવતાં વિષકન્યા બોલી : ‘તને કોઈ જડવાનું નથી. હું અને તું આજે એકલાં જ છીએ.’ સુબાહુએ જવાબ ન આપ્યો. જવાબ આપવાથી કોઈ અર્થ સધાય એમ ન હતું. તે બારી ઉપરથી ખસ્યો. ખસતાં બરોબર તેને દેખાયું કે તેની સામે આવેલી દીવાલમાં જીવ આવ્યો છે. દીવાલ ખસતી હતી. દીવાલ ખસે એ દૃશ્ય ચમકાવે એવું હતું. પરંતુ તેનું આશ્ચર્ય શમે તે પહેલા દીવાલમાં બારણું દેખાયું, અને એ બારણામાંથી એક મનુષ્ય બહાર નીકળી આવ્યો.