પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુંનું નિરાધારપણું ૧૪૫
 


‘ચાંચિયાથી ડરો છો ? લાવો શસ્ત્ર મારી પાસે.’ તાન્ત્રિકે બૂમ પાડી. સુબાહુએ દોરની બીજી બાજુ ફેરવવા માંડી. મોટાં મોટાં વહાણને દોરના એક જ ગાળામાં કબજે કરી લેનાર સુબાહુની શસ્ત્રપ્રતિષ્ઠા છેક અજાણી રહી નહોતી. દો૨ જોઈ તાન્ત્રિક સહજ ખમચાયો. સ્ત્રીઓ શસ્ત્ર સાથે આગળ વધી અને સુબાહુએ દોરના ઝટકાથી તેમને પાછી પાડી. ‘હું ફરી કહું છું કે તમને મારી સામે થવું નહિ ફાવે.' સુબાહુ બોલ્યો. ‘એને આ સ્થળે પૂરી રાખો.' તાન્ત્રિક બોલ્યો, અને એક પાસની ભીંત હલવા માંડી. ‘સુબાહુને ખરેખર ચમક ઊપજી. કોઈ મંત્રયુક્તિથી તેને અહીં બંધનમાં પૂરી દે તો તેનો ઇલાજ જડવો અશક્ય થઈ પડે એમ હતું. એને પૂરવો નથી. એને મિત્ર બનાવવો છે.' પાછળથી ગંભીર અવાજ આવ્યો. સ્ત્રીસૈનિકોએ શસ્ત્ર ઊંચકી માનભરી ઢબે નમસ્કાર કર્યા. સુબાહુએ ચેતીને પાછળ જોયું. એક ઊંચો, પાતળો, ઘઉંવર્ણો અલંકૃત પુરુષ તેની પાછળ ઊભો હતો. એ પુરુષની આંખ ચપળ અને ચમકભરી હતી. છતાં તેમાં આછું ઘેન હોય એમ લાગ્યા કરતું હતું. ‘સુબાહુ ! મને ઓળખ્યો ?’ એ પુરુષે કહ્યું. ‘ઓળખી ન શક્યો, પણ કલ્પી શકું છું.' સુબાહુએ કહ્યું. ‘હું કોણ છું ?’ ‘યુવનાશ્વ.’ અનેક યુવનાશ્વો હશે. હું કયો યુવનાશ્વ ?' ‘માલવપતિ નહિ ?' ‘શા ઉપરથી ઓળખ્યો ?’ ‘આ યવનીઓનાં રક્ષણ, આ માન્તિકનાં મા૨ણ અને બહારથી બળી રહેલી વિષકન્યાને સંયોગ માલવરાજને ન ઓળખાવે તો માલવરાજ ઓળખાય એમ નથી.’ ‘સુબાહુ ! હું તને મિત્ર બનાવવા માગું છું, અને તું મને નિંદે છે. મેં તારું કાંઈ બગાડ્યું નથી.' ‘યુવનાશ્વ ! ભારતવર્ષના હૃદય ઉપર તને સ્થાન મળ્યું. એ ભારતવર્ષના હૃદયને પોષવાને બદલે તું તેને ચૂંથી રહ્યો છે.' ‘કેવી રીતે ?' ‘આ યવનીઓનાં રક્ષણમાં તું રહે છે; યવન વ્યાપારીઓને આમન્ત્રી દેશની સંપત્તિ તેમની લૂંટ માટે ખુલ્લી મૂકે છે, યવન સ્ત્રીઓથી અંતઃપુર ભરી