પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮ : ક્ષિતિજ
 


‘તારી ભૂલ હું તને સમજાવીશ, અને તારી મૈત્રીના બદલામાં એક રાજકન્યા તારી સાથે પરણાવીશ.' ‘એ રાજકન્યાને વિષકન્યા બનાવ્યા પછી, નહિ ?’ ‘વિષકન્યાઓ હું કોને માટે બનાવી રહ્યો છું એ જો તું જાણે તો તું મને આમ કદી ટોકે નહિ.' ‘કોને માટે બનાવે છે ?' ‘રોમનો માટે.’ બહુ જ ધીમેથી યુવનાશ્વે કહ્યું. ‘યુદ્ધનો માર્ગ તને કેમ જડતો નથી ?’ ‘હું જગતમાં ઓછામાં ઓછી હિંસા ચાહું છું.’ ‘અને ક્ષમાને પણ એ જ કારણે બોલાવી છે ?’ ‘ા. રોમક નૃપ એને બહુ ચાહે છે. એ નૃપ કેટલો પરાક્રમી છે તે તું જાણે છે. ભારતવર્ષની લગોલગ તેનું સૈન્ય આવ્યું. એ નૃપનો પરાજય ક્ષમાના વિષથી જ થઈ શકે એમ છે.’ પ્રતિ સુબાહુ એકાએક ચમક્યો. ક્ષમા દુશ્મન પક્ષની સ્ત્રી હતી. પણ તે બહાદુર અને ઉદાર હતી. સ્ત્રીતિની અતિ ઉચ્ચ કક્ષા તેનામાં બિંબિત થતી. ઉલૂપીના આકર્ષણને બાજુએ મૂકતાં ક્ષમા જેટલું ખેંચાણ અન્ય સ્ત્રીનું હજી સુધી સુબાહુને થયું ન હતું. ક્ષમાનું સાહસ, ક્ષમાનું વીરત્વ ! ક્ષમાની નિર્ભયતા અને ક્ષમાની યુક્તિ સુબાહુના મનમાં વસી ગયાં હતાં. ક્ષમા પ્રત્યે તે અત્યંત માનની લાગણી ધરાવતો હતો. એ ક્ષમાનું જીવન નિરર્થક કરી નાખવાના વિચારે રાચતો માલવપતિ સુબાહુને અત્યંત તિરસ્કારપાત્ર પુરુષ લાગ્યો. ‘ક્ષમા ક્યાં છે ?’ એકાએક કશી વસ્તુ જાણે યાદ આવતી હોય તેમ સુબાહુએ પૂછ્યું. ‘ક્ષમા ? ક્ષમા... ક્યાં હશે...?’ ‘એ અહીં જ છે. એણે જ મને બૂમ પાડી હતી.’ ‘હાસ્તો. એની બૂમથી જ કોઈને ખબર પડી કે તું અહીં આવ્યો છે. ક્ષમા કોણ જાણે કયા ઓરડામાં હશે ? અરે... કોણ છે અહીં ?’ યુવનાશ્વ બોલ્યો. એક સ્ત્રીએ આવી યુવનાશ્વને નમન કર્યું. સંધ્યાકાળના દીવા બધે પ્રગટી ગયા હતા. ‘જમવાની તૈયારી કરો. સુબાહુ થાક્યો છે. એને નિદ્રાની જરૂર છે.' યુવનાશ્વે આજ્ઞા આપી. નમનમાં જવાબ આપી સેવિકા ચાલી ગઈ.