પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુંનું નિરાધારપણું :૧૪૯
 


‘મારે જમવું નથી.' સુબાહુએ કહ્યું. ‘વહેમ આવે છે ? હા... હા... આપણે સાથે જમીશું અને થાળીઓ અદલબદલ કરીશું. પછી કાંઈ ?’ હસતાં હસતાં યુવનાશ્વે કહ્યું. ‘મારે ક્ષમાનું કામ છે.' જમ્યા પછી બોલાવીએ. એ પણ કોઈ સ્થળે આરામ જ લેતી હશે.' બે સુવર્ણપાત્રોમાં જમણ આવ્યું. સુબાહુ કદી સુવર્ણપાત્રમાં જમો નથી. વળી તેના હૃદયમાં શંકા રહ્યા જ કરતી હતી. યુવનાશ્વે સુબાહુના પાત્રમાં મૂકેલી વસ્તુઓ અડધી કાપી પોતાના પાત્રમાં લીધી અને પોતાના પાત્રમાંથી અડધી કાપી સુબાહુના પાત્રમાં મૂકી. ‘હવે તને વહેમ નહિ રહે.’ એમ યુવનાથે કહ્યા છતાં સુબાહુને વહેમ તો રહ્યો જ. જોકે તેણે એવી રીતે જમવા માંડ્યું કે બીજા કોઈને તેની શંકા જણાય નહિ. જમતાં જમતાં યુવનાશ્વે અનેક રીતે સુબાહુનું મન મનાવવા પ્રયત્નો કર્યા. એક મહારાજ્યના માલિકનું આવું વલણ કેમ થયું હશે તેની સમજ પાડવા પણ યુવનાશ્વે દલીલો કરી. રાજકીય પરિસ્થિતિની પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ. સુબાહુના મનમાં એટલું તો થયું કે યુવનાશ્વ કહેવાતો હતો એટલો મૂર્ખ નહોતો, દેખાતો હતો એવો વિષયી નહોતો, અને સંભળાતો હતો એટલો ઘાતકી નહોતો. સુબાહુ કેવી રીતે અહીં આવી ચડ્યો હતો તેનો ખ્યાલ યુવનાશ્વને આવી ગયો હતો. યુવનાશ્વ ધારત તો સુબાહુને ઠાર કરી શકત, અગર કેદી બનાવી શકત. એ બંને કાર્યો કરવામાં જોખમ રહેલું હતું એ આર્યાવર્તના રાજનીતિજ્ઞો જાણતા હતા. સુબાહનો બંધુ સુકેતુ એવા ગુનાનો ભયંકર બદલો લીધા વગર રહે નહિ, અને સુબાહુના નાવિકો નદીકિનારાઓ ઉ૫૨ આવેલાં રાજ્યોને ઉજ્જડ કરી નાખ્યા વગર રહે નહિ એવી ભીતિ સર્વત્ર પ્રસરી રહેલી હતી. છતાં માલવ પ્રદેશનો રાજા ધારે તો એ બંને મુશ્કેલીઓનો સામનો કરી શકે એવાં સાધનવાળો હતો. હાથમાં આવેલા સુબાહુ પ્રત્યે આવું સભ્ય અને લગભગ ખુશામદભરેલું વર્તન યુવનાશ્વ માટે બંધાયેલા સુબાહુના મતને બદલવા મથન કરતું હતું. રાત્રિ આગળ વધી અને યુવનાશ્વે સુબાહુને આરામ લેવા જણાવ્યું. ‘અવિશ્વાસ રહેતો હોય તો હું એકલો તારી સાથે સૂઈ જાઉ.' યુવનાશ્વે કહ્યું. ‘નહિ, નહિ. અવિશ્વાસ હોય તોપણ મને ભય રહેતો નથી.' ‘તને હજી અવિશ્વાસ તો છે જ, ખરું ? હરકત નહિ. બધું ભૂંસાઈ સિ. ૧૦