પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦ : ક્ષિતિજ
 


જશે.' કહી યુવનાશ્વ સુબાહુને ખભે હાથ મૂકી તેને હલાવી મૈત્રીનો અભિનય કરી ચાલ્યો ગયો. સુબાહુને યુવનાશ્વના સઘળા અભિનયો સૂતાં સૂતાં યાદ આવ્યા. અનિદ્રામાં તે અનેક પ્રકારની તરંગમાલા ઉપર ઝોલાં ખાવા લાગ્યો. ધીમે ધીમે તેને મીઠાં સ્વપ્ન અને મીઠી નિદ્રા આવવા લાગ્યાં. એ મીઠાશનો તેને કોઈ કોઈ ક્ષણે ભય પણ લાગતો હતો. છતાં એ સ્વપ્ન અને એ નિદ્રાનો સાથ છોડવો તેને ગમ્યો નહિ. એક ક્ષણે તેને શંકા પણ આવી કે તે કોઈ ઘેનની અસરમાં છે. પરંતુ એ શંકા આવતાં બરોબર તે ઉલૂપીના સ્વપ્નમાં પડ્યો. સ્વપ્નમાં અને સ્વપ્નમાં તેણે સિદ્ધને પોતાની પથારી નજીક આવતો જોયો. સિદ્ધનું મુખ ક્રૂરતાની પ્રતિમા સમું હતું. ‘કેમ સુબાહુ ! તારે સિદ્ધને દૂર કરવો છે, નહિ ?’ સિદ્ધે ક્રૂર સ્મિતસહ પૂછ્યું. સુબાહુએ હકારમાં જવાબ આપ્યો. પરંતુ એ જવાબનો ઉચ્ચાર તેનાથી થઈ શક્યો કે નહિ તેની તેને ખાતરી થઈ નહિ. સ્વપ્નાવસ્થાની કાલ્પનિક અશક્તિએ તેની મૂંઝવણ વધારી દીધી. ‘સમજી ગયો. તારાથી બોલાય એમ નથી. મારો પ્રયોગ સફળ છે. સિદ્ધે કહ્યું. ‘પ્રયોગ ?’ સુબાહુ બોલવા ગયો. તે ઘેન સામે ખૂબ લડી રહ્યો. છતાં તેનાથી શબ્દોચ્ચાર થયો નહિ એમ તેને લાગ્યું. તેનું મન મોટો ઉચ્ચાર કરવા તલસી રહ્યું હતું. ‘તને ભાન રહે ત્યાં સુધીમાં તું સમજી લે, આજથી તું માલવપતિનો જન્મકેદી બન્યો છે.' સિદ્ધે આગળ ચલાવ્યું. સુબાહુ ઊભો થવા ગયો, બેસવા ગયો, પરંતુ શબ્દની માફક તેનું હલનચલન પણ બંધ પડી ગયું હતું. આછા ભાનવાળા પક્ષાઘાતી મનુષ્ય સરખી તેની સ્થિતિ લાચાર બની ગઈ. એકાએક તેણે વિષકન્યાનું હાસ્ય સાંભળ્યું. શું વિષકન્યા તેની લાચારીનો લાભ લેવા આવી હતી ? તેણે આંખ ફેરવી. વિષકન્યા સિદ્ધની સામે જોઈ રહી હતી. ‘તું અહીં કેમ આવી ?’ સિદ્ધે અત્યંત ક્રોધમાં પૂછ્યું.