પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુંનું નિરાધારપણું :૧૫૧
 


વિષકન્યાએ જવાબમાં ભયંકર હસ્ય કર્યું. તેનો રૂપાળો દેહ અને રૂપાળું મુખ તેની ભયંકરતાને વધારે ભયંકર બનાવી રહ્યાં હતાં. ‘સુબાહુને સ્પર્શ કરવાની તને મના છે.' સિદ્ધે કહ્યું. ‘એ હું જાણું છું.’ વિષકન્યા હાસ્યમાંથી ગાંભીર્યમાં ઊતરી ગઇ. તેનું ગાંભીર્ય પણ ભયપ્રદ હતું. ‘તો તું આવી કેમ ?’ ‘તારે માટે.. “મારું શું કામ પડ્યું ?’ ‘તારી સાથે હું રાત ગાળીશ.’ ‘શરમાતી નથી ? ચાલ, જા અહીંથી.’ ‘મારી શરમ તેં અલોપ કરી દીધી. હવે આ ઓરડાની બહાર હું તને જવા દેવાની નથી. બારણું મેં બરાબર બંધ કર્યું છે.’ ‘ઓ મૂર્ખ ! ઓરડામાં ઝેરી હવા છે. આપણે બન્ને એક ઘડીમાં બેભાન બનીશું.’ ‘મને હવે ઝેરનો ભય નથી. અને બેભાન બનવા તો હું માગું છું. વિષ આપનારની સોડમાં જ એ બેભાની આવે તો મને ઘણું ગમે.' સિદ્ધના મુખ ઉપર ભયનાં ચિહ્ન દેખાયાં. વિષકન્યા સિદ્ધનો જ ભોગ લેવા તત્પર બની હતી કે શું ? ‘તારા અંગના ટુકડે ટુકડા થશે - જો મારી પાસે આવી તો.’ સિદ્ધે પોતાની પાસે ધીમે ધીમે ક્રૂરતાપૂર્વક આવતી વિષકન્યાને કહ્યું. ‘હરકત નહિ. મારે એ જ જોઈએ.' કહી વિષકન્યા ફાટી આંખે સિદ્ધ તરફ ધસી, અને સિદ્ધને બે હાથમાં અત્યંત બળપૂર્વક બાંધી લીધો. ‘છોડ ! હઠી જા ! કોણ છે અહીં? આવો ! છોડાવો !' સિદ્ધ બૂમ પાડતો રહ્યો. સુબાહુને ઊઠવાનું મન થયું, પરંતુ તેનાથી ઊઠી શકાયું નહિ. એકા- એક ખડ ખડ હસતી વિષકન્યા સિદ્ધની સાથે જ જમીન ઉપર પડી. પરંતુ પડતાં બરોબર તેણે એક કારમી ચીસ નાખી. એ ચીસના બળથી સુબાહુનું મસ્તક એક ક્ષણ માટે જાગૃત બની ગયું. તેણે જમીન ઉપર પડેલાં બંને સ્ત્રીપુરુષને જોયાં. સુબાહુએ ઊઠવા પ્રયત્ન કર્યો અને અડધો બેઠો પણ થઈ ગયો. વિષકન્યાના દેહમાંથી રુધિરનો ફુવારો ઊડતો હતો.