પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
 


સુબાહુની જાગૃતિ
 


સુબાહુએ આંખ ઉઘાડી. બહુ મહેનત કરી આંખ ઉઘાડી, છતાં તેને લાગ્યું હજી તે સ્વપ્નમાં જ હતો. તેની આસપાસ અતિ સુંદર પરિચારિકાઓ વીંટળાઈને બેઠી હતી. સુબાહુએ આંખ ઉઘાડી તે સાથે જ પરિચારિકાઓએ પ્રથમ તેને માથે અને પછી પગને તળિયે કોઈ સુવાસભ પાણીની પિચકારીઓ છાંટી. એ સ્વપ્ન નહિ તો બીજું શું ? પરંતુ સ્વપ્નમાં સ્ત્રીઓ જ કેમ આવતી હતી ? નહિ, નહિ. તેને બીજાં પણ સ્વપ્ન આવી ગયાં હતાં. પેલી વિષકન્યાનું ખૂન કરનાર તાંત્રિક...સુબાહુથી એ ખૂન ન અટકાવી શકાયું... ...સુબાહુ શું પાલખીમાં સૂઈ મુસાફરી કરતો હતો ? તેણે કદી પાલખી પસંદ કરી ન હતી. ત્યારે તેને કોણે પાલખીમાં સુવાડ્યો હશે ? પાલખીમાં સૂતાં સૂતાં તેણે ક્યાં ક્યાં મુસાફરી કરી હતી ? પર્વતોની ખીણોમાં ? ભોંયરાને રસ્તે ? લશ્કરીઓ સાથે ? આવા આવા સ્વપ્નટુકડા તેને કેમ સાંભરતા હતા ? આખું સળંગ સ્વપ્ન શું હતું ? ઉઘાડી આંખે પણ સ્વપ્ન આવે ! તેણે આંખો મીંચી. તેના પગ ઉપર સહજ મધુર ગલીપચી કરતી પિચકારીઓ હજી ચાલુ જ હતી. એકબે પરિચારિકાઓ તેને વીંજણો પણ નાખતી હોય એવો તેને ભાસ થયો. એટલામાં તેને કપાળે ઠંડો સુંવાળો હાથ ફરતો લાગ્યો. દરિયાની તોફાની ખારાશથી ટેવાયલા સુબાહુને આવું મૃદુ સ્વપ્ન ન ગમ્યું. તેણે પાછી આંખો ખોલી નાખી. એક યુવતી તેને કપાળે ચંદનનો લેપ કરતી હતી એ તેણે જોયું. યુવતી હસી. યુવતી અને તેનું હાસ્ય બંને આકર્ષક હતાં. જગતમાં સ્ત્રીઓ જ ન હોય તો ? સૌન્દર્ય અદૃશ્ય થાય. ઉલૂપીયે અદૃશ્ય થાય ને ? ઉલૂપી ક્યાં હતી ? એને ક્યાં મૂકીને તે આવ્યો ? ક્ષમાની શોધમાં. અને એ શોધમાં પેલો બલવાન ઉત્તુંગ પણ ગયો હતો ને ? એકાએક તે જાગ્રત બની ગયો. તેને લાગ્યું કે તે સાચી દુનિયામાં છે. પણ એ કયી દુનિયા ? આટલો વૈભવ, આટલું સૌન્દર્ય, આટલો આરામ સુબાહુની દુનિયામાં તો ન જ હોય. ઉલૂપીની દુનિયામાં વૈભવ ખરો, પણ આવો સફાઈભર્યો નહિ. એ કોની દુનિયામાં હતો ? પેલો બૌદ્ધ તાંત્રિક... ...અને...માલવપતિ યુવનાશ્વ...શું સુબાહુ કેદ પકડાયો હતો ? સુબાહુ