પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
 


પરાજિત યુવનાથ
 


‘સુબાહુનું શીશ જોખમમાં આવશે તે ક્ષણે આખા અવંતિનગરને રસાતળમાં ફેંકી દઈશ.' અત્યંત બલભર્યાં ઉચ્ચારણ સાથેના આ શબ્દો સાંભળી યુવનાશ્વે પાછું જોયું. ‘સુકેતુ ?’ યુવનાશ્વે આશ્ચર્યથી પૂછ્યું. ‘હા.’ સુકેતુએ જવાબ આપ્યો. પગથી માથા સુધી આજ સુકેતુ શસ્ત્રસજ્જ હતો. ‘ક્યાંથી આવ્યો ?’ ‘અકસ્માત પકડાયેલા સુબાહુને બેભાન બનાવ્યા છતાં તેના ખૂનથી ડરતા એક કહેવાતા આર્ય રાજાના શહેરમાં અને મહેલમાં અનેક માર્ગો જડે એમ છે.' સુકેતુએ જવાબ આપ્યો. ‘તું શું માગે છે ?’ યુવનાશ્વે પૂછ્યું. ‘અમે માગ્યું તે તેં ન આપ્યું. હવે હું તને પૂછું છું કે તું શું માગે છે ?’ ચોરીછૂપીથી મારા મહેલમાં પેસનાર ચાંચિયાને ખબર હોવી જોઈએ કે અવંતીનો વિસ્તાર આખા મધ્ય આર્યાવર્તને રોકી રહેલો છે. હું તારી પાસે માગું ? હું...’ યુવનાશ્વ વાક્ય પૂરું કરે તે પહેલાં સુકેતુએ એક શસ્ત્ર ખેંચ્યું અને યુવનાશ્વ તરફ આછો ધસારો કર્યો. યુવનાશ્વના મુખ ઉપર ભય ન હતો. તે સહજ પાછો ખસ્યો અને ખડખડાટ હસી પડ્યો. તેના હાસ્યને પરિણામે ઓરડાની ત્રણ બાજુએ આવેલાં ગુપ્ત દ્વારમાંથી શસ્ત્રસજ્જ સ્ત્રીઓની એક ટુકડી સુકેતુની સામે આવી ઊભી રહી. ‘હવે મને હસવા દે.’ સુકેતુએ કહ્યું, અને તિરસ્કારના ફુવારા સરખું મુક્ત હાસ્ય કર્યું. ‘હસે છે ? મહેલમાં આગ લગાડી તું મને ગભરાવવા માગે છે ? અત્યાર સુધી સુબાહુ કેદમાં હતો. હવે તું પણ મારા કબજામાં છે.’ યુવનાશ્વ બોલ્યો. ‘તારા રાજ્યમાં પુરુષો ખૂટી ગયા છે ? કે પછી કોઈ યુદ્ધનૃત્ય બતાવવા આ નર્તકીઓ તૈયાર કરી છે ?'