પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરાજિત યુવનાથ :૧૭૧
 


‘અને જે નેતા, રાજા કે સેનાપતિ થાય છે તે કપૂતોની માફક ભારતવર્ષના ટુકડા કરી વહેંચે છે અને ખેંચે છે. ભારતવર્ષને એક બનાવવાની કોઈની તૈયારી નથી.' સુબાહુએ કહ્યું. ‘માટે જ અમે પરદેશીઓને અટકાવી સ્વદેશીઓને એક કરવા મથીએ છીએ. રોમની માલિકીનો ભય હોય તો આખો ભારતવર્ષ એક બને.' સુકેતુએ કહ્યું. ‘એમ કહે ને કે તારે ચક્રવર્તી બનવું છે !' યુવનાશ્વે હસીને કહ્યું. ‘ચક્રવર્તી બનવામાં બહુ વાર લાગે એમ નથી. તારા સિંહાસન ઉપર અમે બેસીએ તો પાંચ વર્ષમાં અમે ચક્રવર્તી થઈએ.' સુકેતુ બોલ્યો. ‘પરંતુ અમારે એ સ્થાન ન જોઈએ. રોમનો ગુલામો પકડે છે એ જાણે છે ને તું ? આવતી કાલ હું અને તું રોમ નગરના ધનિકોની પગચંપી કરતા તું બની ન જઈએ એટલું જ મારે જવું છે.' સુબાહુ બોલ્યો. ‘અને... અને... આર્યાવર્તનો ધ્વજ જ્યાં નજર નાખું ત્યાં ફરકતો દેખું.' સુકેતુએ કહ્યું અને તેની નજર બહાર દેખાતી આભપૃથ્વીની સીમા ઉપર પડી. સુબાહુ સ્થિર થયો. તેની પણ નજર સુકેતુની નજર પાછળ દોડી. તેણે ગંભીરતાપૂર્વક કહ્યું : ‘ક્ષિતિજમાં !’ ‘અને ક્ષિતિજનીયે પાર !’ સુકેતુ બોલ્યો. ગંભી૨ ભાવથી આછી નમનમુદ્રામાં ઊભેલા બંને વિજેતાઓને યુવનાશ્વ ક્ષણભર નિહાળી રહ્યો. તેના હૃદયમાં એવો કોઈ મહાભાવ જાગે એવી તેને ઇચ્છા થઈ આવી. સામેથી મહારાણી અને રાજકુમાર આવતાં દેખાયાં. સુકેતુ અને સુબાહુ બંને ધ્યાનભંગ થયા અને તેમણે મહારાણીને વિનયભર્યું નમન કર્યું. યુવનાશ્વ જરા વિકલ બન્યો, અને વિકલતા ઢાંકવા સહજ હસીને બોલ્યો : ‘આ સુબાહુ અને સુકેતુ...’ ‘હું બંનેને ઓળખું છું.’ મહારાણીએ ગૌરવભરી ઢબે જવાબ આપ્યો. ‘કુમાર ઓળખે છે ?’ યુવનાશ્વે પૂછ્યું. ‘હ્ય જી. હું પણ ઓળખું છું. તેમની યોજનામાં મને પ્રવેશ મળ્યો છે.’ નાની ઉંમરના ઓગણીસેક વર્ષના કુમારે કહ્યું. તેનો દેહ દૂબળો હતો પરંતુ તેના મુખ ઉપર અતિશય તરવરાટ દેખાતો હતો.