પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨ : ક્ષિતિજ
 


‘એટલે ? કી યોજના ?' યુવનાશ્રુ પૂછ્યું. ‘લશ્કર લેઈ મારે ગાંધાર જવું.’ કુમારે કહ્યું. ‘કોનું લશ્કર ? શા માટે ? યુવનામે જરા તાણીને પૂછ્યું. ‘લશ્કર આપણું જ. રોમનોને અટકાવવા માટે.' મહાન યોજનામાં ભળનાર યોદ્ધાનું ગૌરવ ધારણ કરી કુમારે કહ્યું. યુવનાશ્વ ક્ષણભર પોતાના પુત્રને જોઈ રહ્યો. પુત્રનો દેખાવ જોઈ તેને પોતાની કૌમાર અવસ્થા યાદ આવી. લશ્કરને મોખરે રહેવાનો તેને પણ ઉત્સાહ હતો, અને લશ્કરોને તેણે એક સમયે દોર્યાં પણ હતાં. ‘પરંતુ હું ના કહું તો ?’ યુવનાહ્યે પોતાનું રાજવચમ્ કુમાર સામે ધર્યું. ‘તો હું એકલો જઈશ.' કુમારે વિનયથી પરંતુ સ્પષ્ટતાથી જવાબ આપ્યો. યુવનાશ્વે મહારાણી સામે જોયું. મહારાણી છત્રીશ સાડત્રીસ વર્ષની ભરાવદાર સ્ત્રી હતી. ગૌરવ એ તેનું લક્ષણ હતું. અસંતોષની આછા તિરસ્કારની રેખાઓ તેના મુખ ઉપર જોઈ શકાતી હતી. છતાં તેનું સૌન્દર્ય અસ્ત પામ્યું ન હતું. યુવનાશ્વની આંખે પાછું એ સૌન્દર્ય દેખાયું. એ સૌન્દર્ય જીતવા તેણે વિજયો મેળવ્યા હતા. મહારાણીના સૌન્દર્યને જીત્યા પછી યુવનાશ્વને એ જ સૌન્દર્યે જીત્યો. જીત્યો એટલું જ નહિ; તેને પરવશ બનાવ્યો. પરંતુ સ્ત્રીદેહમાં સ્વર્ગ ભાળતા થયેલા યુવનાશ્વને એક સ્વર્ગ બસ થયું નહિ. તેણે એક કરતાં વધારે સ્વર્ગ ઉકેલવા માંડ્યાં. સ્ત્રીદેહનું વૈવિધ્ય, સ્ત્રીસ્વભાવનું વૈવિધ્ય, સ્ત્રીશૃંગારનું વૈવિધ્ય તેના મનનો મુખ્ય વિષય બન્યાં, અને મહારાણીની શૃંગારસીમામાંથી નીકળી તેના હ્રદયે માલવસુંદરીઓની વિવિધતા અનુભવવા તેને પ્રેર્યો. પ્રકૃતિએ અનંત વિવિધતા ઘડી છે, એટલે વિલાસને તૃપ્તિ નથી. જે યુવનાશ્વ એક સમયે દેશ-પરદેશનાં સૈન્યો, માર્ગ, કિલ્લા અને પોષણની હકીકત તપાસતો હતો તે જ યુવનાશ્વ હવે દેશ-પરદેશની સ્ત્રીજાતિ અને તેમની સુખ આપવાની શક્તિનો અભ્યાસ કરતો હતો. લાટમાં પદ્મિનીઓ કેટલી છે, પાંચાળમાં હસ્તિનીઓ કેટલી છે, મરુસ્થળની ચિત્રિણી અને બંગદેશની ચિત્રિણી વચ્ચે તફાવત હોય કે નહિ, દક્ષિણની શંખિની અને નગરવાસી શંખિનીમાં કોણ વધારે ઉત્તેજક એવા એવા વિચારોમાં તેનું હૃદય રોકાયલું રહેતું. અભ્યાસ પ્રયોગ માગે છે, અને યુવનાશ્વની પાસે સત્તા અને સંપત્તિ બંને હોવાથી તેને જાતિવિષયક પ્રયોગો કરવાની સંપૂર્ણ અનુકૂળતા મળી.