પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪ : ક્ષિતિજ
 


સાધન દેહ હોય છે. એ દેહની મર્યાદાઓ વિલાસને પણ મતિ બનાવે છે. લોલુપતા પાપ ન હોય તોય તે સ્વાસ્થ્યની વિરોધી છે. સંયમ પુણ્ય ન હોય તોપણ તે આરોગ્યનું મુખ્ય તત્ત્વ છે. લોલુપતા વધે ત્યાં દેહ દુર્બળ બનતો જાય. સંયમ ઘટે ત્યાં શક્તિ પણ ઘટે. શક્તિ ઘટે તેમ લોલુપતા તિ વિપરીત, વિચિત્ર અને કૃત્રિમ ભોગપ્રયોગો કરાવી દેહને ક્ષણિક જાગૃતિનો ભાસ આપી જીવનનું શોષણ કરે છે, ભોગની અતિશયતાનો પ્રસંગ ગરીબ અને અમીર, રાય અને રંક એ બંનેના દેહને પામર બનાવી દે છે. અને સુંદરીઓના સહવાસમાં યુવનાશ્વનો દેહ દુર્બળ અને પામર બનતો ગયો. ભોગવિલાસની વૃત્તિ દેહની મર્યાદાઓ વટાવી જાય એટલે દેહનો દુર્ગ માટીનું માળખું બની જાય. યુવનાશ્વની દુર્બલતા અતિવિલાસની સાક્ષીરૂપ હતી. માનવસ્વભાવ વિવિધતાને ચાહનારો છે એ સિદ્ધાંત યુવનાશ્વે સ્વીકારી લીધો. માનવ- સ્વભાવમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થાય છે એમ તેણે સ્વીકાર્યું હોત તો તેને કેટલીક સરળતા થાત. પરંતુ માનવ- સ્વભાવ એટલે માત્ર પુરુષસ્વભાવ એમ માની બેઠેલા યુવનાશ્વની રસિકતા તેણે ભેગી કરેલી સ્ત્રીઓની સંખ્યાને પહોંચી વળતી નહિ. સ્ત્રીને પણ વાસના હોય છે, ભોગેચ્છા હોય છે. યુવનાશ્વથી અતૃપ્ત રહેતો સુંદરીઓનો સંઘ યુવનાશ્વના મંત્રીઓ, સલાહકારો, સંબંધીઓ કે તેમના પુત્રો, રક્ષકો અને અંતે તેના દાસવર્ગમાંથી મળતા પુરુષો શોધી અનેક યુક્તિ-પ્રયુક્તિ અને ગુપ્ત વ્યવહારથી નૈસર્ગિક તૃપ્તિ મેળવવા મથતો. યુવનાશ્વના અંતઃપુરમાં જાતીયતાના મધુરભાવથી વંચિત, ક્રૂર અને ધૃષ્ટ વ્યંડળોનો એક રક્ષકવર્ગ રચાયો. પરંતુ તેથી અંતઃપુરની વિશુદ્ધી વૃદ્ધિ ન પામી. વ્યંડળોથી રક્ષાતી સ્ત્રીઓનાં સત અખંડ રહે ખરાં ? કુટિલતા, કાવતરાં, કુભાંડ એ યુવનાશ્વના જનાનખાનાનો સ્વાભાવિક ક્રમ બની ગયાં. સ્ત્રીદેહનો રાજવૃદ્ધિ કે રાજાવિષ્ટિમાં ઉપયોગ કરવાની પ્રથા યુવનાશ્વના સમકાલીનોને અજાણી ન હતી. ગાંધારના ગર્જન* પતિએ હિમવાસી સુંદરીની ભેટ યુવનાશ્વને મોકલાવી એટલે પાંચાળની સહાયે મોકલેલું માલવસૈન્ય યુવનાશ્વે પાછું બોલાવ્યું, અને ગર્જન તથા પાંચાળ વચ્ચેનાં યુદ્ધ વધારે તીવ્ર બનાવ્યાં. માલવપતિનો મહિમા વ્યાપક હતો. તેની સહાય એ એક સમર્થ વિજયની ચાવી મનાતી. રોમન વ્યાપારીઓએ ભેટમાં આપેલી એક રોમન નર્તકીએ રોમન મહારાજ્યના વિષ્ટિકારોને

  • હાલનું ગજની