પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસિકતાની ભુલભુલામણી :૧૭૯
 


શસ્ત્રસજ્જ સુબાહુ સરખો યુવક દમામથી આવી રહ્યો હતો. તે સુબાહુ પાસે આવી ઊભો, સેનાપતિઓ સામે તિરસ્કારથી સહજ જોઇ રહ્યા અને પછી બોલ્યો : ‘સુબાહુ ! તેં છેલ્લા સમાચાર સાંભળ્યા ?' સુબાહુએ સુકેતુને જવાબ ન આપતાં સેનાપતિને કહ્યું : ‘આ સુકેતુ ! મારા કરતાં જરા વધારે ભયંકર દેખાય છે, નહિ ?' સુકેતુનું મુખ સુબાહુના મુખ જેટલું સૌમ્ય તો નહોતું જ, પરંતુ તેને ભયંકર કહી શકાય એમ તો ન જ હતું. ‘ભયંકર ? તું ક્યાં મને ભયંકર થવા દે છે ? તું વચ્ચે ન પડ્યો હોત તો હું એક પણ શત્રુનાવિકને જીવતો જવા ન દેત. સમુદ્ર હજી પણ ઘણું રુધિર માગે છે.’ સુકેતુ વચમાં જ બોલી ઊઠ્યો. ‘ચાલ, સારું થયું. જીવતા હશે તો મિત્ર બની શકશે...' સુબાહુએ કહ્યું. ‘મિત્ર ? એમને તો ગુલામ બનવું છે. રોમન રાજ્યનું દાસત્વ...' સુકેતુ બોલતો હતો તેને અટકાવી સુબાહુએ પૂછ્યું : ‘તું શા સમાચાર આપતો હતો ?’ ‘હજી રોમન નૌકાસૈન્ય તો આપણા તરફ ધસ્યું આવે છે. આ ત્રણ મહારાજ્યોના નૌકાસૈન્ય જાણે આપણે માટે ઓછાં પડ્યાં ન હોય ?' હસીને સુકેતુએ કહ્યું. ‘આપણે ધાર્યું જ હતું. પરંતુ આ સૈન્યનો વહેલો પાર આવી ગયો.' રક્ત સમુદ્રની સીધાણના રેખાંશવાળા પ્રવાહમાં તેમને ભેરવી દઈશું.' સુબાહુએ કહ્યું. ‘તેં આ સેનાપતિઓને કેમ તારી પાસે બોલાવ્યા ?’ ‘એમનો વધારે પરિચય કરવા, અને હજી પણ મૈત્રીની વિષ્ટિ મોકલવા.’ ‘મૈત્રી ? સુબાહુ ! આમ પાર નહિ આવે. જે રાજ્ય પરાજિત થાય તેનો રાજા ઉઠાડી મૂકવાને જ પાત્ર ગણાય. આ ત્રણ રાજાઓને હું તો પદભ્રષ્ટ જ કરું.’ ‘નૌકાયુદ્ધમાં જીત્યાથી પદભ્રષ્ટ કરવા જેટલી સત્તા આવી જતી નથી.' એક સેનાપતિએ જરા ઉગ્રતા દર્શાવી. ‘એ તો એનો સિદ્ધાંત કહે છે. એ એમ જ માને છે કે રાજા કે પ્રજાનું એક જ રાજ્ય ભારતવર્ષમાં થાય ત્યાં સુધી ભારતવર્ષ ભયમાં જ છે.’