પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦ : ક્ષિતિજ
 


સુબાહુએ કહ્યું. ‘એ તું કોને સમજાવે છે ?' સુકેતુએ કહ્યું. ‘મહારાજ્યના સેનાપતિને.' સુબાહુએ કહ્યું. ‘મહારાજ્યના મહારાજાઓને તું ઓળખે છે ? તું જો મારું માને આપણે તેમને જોતજોતામાં પદભ્રષ્ટ કરી શકીએ...' ‘એ વાત જવા દે. હું મારો સંદેશો મોકલાવું છું. હું તે જ લખી રહ્યો હતો.’ ‘તે તારો સંદેશો વાંચશે કે સાંભળશે કોણ ? માલવપતિ બૈરાં ભેગો નાચતો હશે ! આંધ્રપતિ હોમહવન અને પૂજાપાઠમાંથી પરવારશે જ નહિ અને સિંધુપતિ ? પોતાના સૈનિકોનાં જ વર્ષાસન કાપી કાપી પોતાનો ભંડાર ભર્યા કરશે !' ‘છતાં સંદેશો મોકલવો છે.' ‘ભલે, પણ હું તો એક જ માર્ગ લઉં.' માલવપતિને નટવર બનાવી નૃત્ય-વિભાગ સોંપીએ, આંધ્રભૃત્યને રાજપુરોહિત બનાવીએ, અને સિંધુપતિને ભંડારરક્ષક... હા... હા...' કલ્પના કરી સુકેતુ હસ્યો. ‘સુકેતુ ! પાંજેતનો પરિહાસ ન કરીશ. લે આપ, આ ત્રણ પત્રો. સુબાહુએ જરા સ્પષ્ટ અને કડક આજ્ઞા કરી, સુકેતુ એકાએક શાંત અને ગંભીર બની ગયો. તેણે પત્રો લેઈ ત્રણે સેનાપતિને આપ્યા અને કહ્યું : ‘તમારા મહારાજાઓને જઈને કહો, દરિયો દ્વા૨ બની ગયો છે. જગત જીતવાની તક જોઈતી હોય તો આવો અમારી સાથમાં, સમુદ્રને એક એક હેલકારે આપણે એક એક દેશ જીતી લઈશું. છે હોંશ કે હિંમત ?' સુકેતુએ કહ્યું. અને વધારામાં એટલું કહેજો : અમને રાજ્યલોભ નથી. અમારે રાજામહારાજા બનવું નથી. જનપદ એ અમારો રાજા અને મહારાજા અમે મિત્ર છીએ. અમારો ઉપયોગ કરી લેશો તો આર્ય જગતધર્મ બનશે - આખું જગત તમારું થશે.' સુબાહુ ગંભીરતાથી બોલ્યો. અત્યંત સાદા, સૌમ્ય સુબાહુના મુખ ઉપર અણધાર્યો પ્રકાશ ફેલાઈ ગયો. સેનાપતિત્રય જોઈ શક્યા કે સુબાહુ માત્ર યુદ્ધવીર નથી, તે એક તપવીર છે, અને એક તપસ્વી યુદ્ધવીરને પણ ઝાંખો બનાવી શકે છે. સેનાપતિ સંદેશાઓ લેઈ વિદાય થયા. ત્રણે રાજ્યોના સમુદ્રયુદ્ધમાં થયેલા પરાજય પછી સુબાહુ અને સુકેતુનાં નામ આખા આર્યવર્તની જ નહિ પરંતુ આખા જગતની જીભે ચઢ્યાં. કિનારાના પ્રજાવર્ગમાં તેમને માટે