પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪ : ક્ષિતિજ
 


દેખાવ કરી નીચું અગર આડું જોઈ સ્મિત કર્યું, અને લુબ્ધ બનેલા નાયકો તરફ તીરછી દૃષ્ટિ ફેંકી તેમની વાસનાને વધારે તીવ્ર બનાવી સહુના માધુર્યભર્યા ભાવ પ્રત્યે બરફ સરખી શીત, સ્વચ્છ અને દઝાડતી દૃષ્ટિ નાખતા વ્યંડળે જોયું કે એક દાસી વાટિકામાં દૂર ઊભી રહી પાસે આવવાની આજ્ઞા ઇશારાથી માગતી હતી. બહુ ધીમેથી તેણે એ ખબર યુવનાશ્વને આપી. તેના અવાજની ધીમાશ છતાં તેમાં રહેલી જાડી કર્કશતા સહુના ધ્યાનમાં આવી. માનવીની ક્રૂરતાને સીમા નથી. સ્ત્રી ઉપર પુરુષનું સ્વામિત્વ જડજડાવ બની રહે એ અર્થે તેના સતીત્વ ઉપર ચોકી પહેરા રાખવા પ્રવૃત્ત થતો પુરુષ ન તેને સ્ત્રીરક્ષકને સોંપે, ન તેને પુરુષરક્ષકને સોંપે. સ્ત્રીરક્ષકની સહાનુભૂતિ રક્ષિત સ્ત્રી પ્રત્યે હોય જ. પુરુષરક્ષક પુરુષ સ્વામીની માલિકીમાંથી ભાગ પડાવે એ પૂરો સંભવ એટલે જીવનના વહેતા પ્રવાહમાંથી કોઈ સેવક, ગુલામ કે અવકૃપાપાત્ર દુશ્મનને દૂર કરવા નિસર્ગદીધી જાતીયતાને છિન્નભિન્ન કરી પુરુષત્વ અને સ્ત્રીત્વથી રહિત કોઈ ભયાનક ભૂત સ્ત્રીને બાંધવાની સાંકળ પકડવા માટે રચવાની ક્રૂરતા પુરુષવર્ગે કંઈ કંઈ યુગથી હાથ કરી છે. તૂટેલા તારવાળા વાઘ સરખું એ માનવવાઘ બની જાય એમાં નવાઈ નથી. વ્યંડળે ઘર્ઘર અવાજે બહુ જ ધીમેથી કહ્યું : ‘મહારાજ ! દાસી આવે છે.' ‘કેમ ?’ ‘હું પૂછી આવું.’ જાતિહીન રક્ષક દાસી પાસે દોડ્યો. થોડી ક્ષણમાં તે આવ્યો અને બહુ ધીમે અદબસહ બોલ્યો : ‘નૌકાધ્યક્ષ મળવા માગે છે.’ ‘આવવા દો.’ ‘મહારાજ ! કૂપ અને સરોવરસ્નાનની સાથે સમુદ્રસ્નાનનો પણ અભિનય થશે.' એક ખીલી રહેલા દરબારીએ કહ્યું. મહારાજે આજ્ઞા આપી. સુન્દર દૃશ્યની અસરથી રહિત નૌકા સેનાપતિ નીચું મુખ કરી ગંભીરતાથી વાટિકામાં આવ્યો. યુવનાશ્વને તેણે નમન કર્યું અને હસતાં મોજીલાં સ્ત્રીપુરુષોની વચ્ચે ગમગીન બની ઊભો. ‘કેમ ?’ યુવનાશ્વે પૂછ્યું. ‘આપણું સૈન્ય હાર્યું.’ સેનાપતિએ કહ્યું. યુવનાશ્વનું મોજીલાપણું વિલાસવૃત્તિ એકાએક હળવી પડી ગઈ. ક્ષણભર અદૃશ્ય થઈ ગયું. તેની