પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬ : ક્ષિતિજ
 


કલ્પનાથી રંજિત થયેલા મહારાજા યુવનાશે તે જ ક્ષણે તેનો જવાબ આપ વાની આજ્ઞા કરી. સહજ વિસ્મિત બનેલ સેનાપતિને તત્કાળ તેવો જવાબ આપવાની ફરજ પણ પાડી. યુવનાશ્વના કીડામંડળને છોડી ગયેલા સેનાપતિએ સહજ રીસમાં એ જ રાજાજ્ઞા લખી તત્કાળ મોકલી દીધી. પંદર દિવસમાં છ નૌકાઓ ક્ષિપ્રાને કિનારે લંગર નાખી ધોભી. તેમાંથી છ વિષ્ટિકારો નીચે ઊતર્યા અને મહારાજા યુવનાશ્વના મહેલમાં ગયા, સેનાપતિને મળી મહારાજાની તેમણે મુલાકાત લીધી અને મહારાજાને જાહેર કર્યું કે સુકેતુએ મહારાજની આજ્ઞા પ્રમાણે ભેટ મોકલી છે. ‘ભેટ ? શાની ?’ મહારાજાએ પૂછ્યું. ‘આપે છ યોજનગંધાઓ મંગાવી હતી ને ?’ વિષ્ટિકારોના નાયકે કહ્યું. મહારાજાને તે દિવસની મશ્કરીનું આછું સ્મરણ આવ્યું. સ્મરણ આવતા બરોબર યોજનગંધાઓના આગમને તેમની રસવૃત્તિને જાગ્રત કરી. ‘હું. લાવ્યા છો ? છ એ છ ?' યુવનાશ્વે પૂછ્યું. ‘જી. અમારા નેતાઓ કંજૂસ નથી. છને બદલે છ હોડીઓ ભરાય એટલી યોજનગંધાઓ તેમણે મોકલી છે.' ‘ક્યાં છે?’ ‘નૌકાઓમાં.’ ‘અહીં મોકલી દો. તત્કાળ, મ્યાના મોકલાવો.' યુવનાશ્વે વિષ્ટિ- કારોને તેમ જ રાજસેવકને આજ્ઞા કરી. ‘જી, હુકમ.' કહી નમ્રતાપૂર્વક નમન કરી વિષ્ટિકારો નદીકિનારે ગયા. તેમની પાછળ મ્યાના પાલખીઓ સાથે નોકરોનું એક લશ્કર ગયું. મહારાજનું માનસ વિકળ બન્યું. પુષ્ટ અને ઘાટીલી સમુદ્રકનારાની સુંદરીઓ નીરખવા તેઓ તલપી રહ્યા. એક ઘડી વીતી અને તેમણે ઉતાવળ કરવા માણસો મોકલ્યા. થોડી વારમાં ઢંકાયલા મ્યાના રાજમહેલમાં આવવા લાગ્યા. મહારાજાને કોઈ અપ્રિય ઘાણ આવી. તેમણે એક સેવકને પૂછ્યું. ‘શાની વાસ આવે છે ?’ સેવકને પણ કશી વાસ આવતી હતી. તે ભયભીત બન્યો. તેના કાર્યમાં આજે ક્યાંથી ખામી આવી ગઈ હતી ? તેણે કહ્યું : ‘મહારાજ ! હું સુખડનો ધૂપ વધારું છું.’