પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
 


પશ્ચાદ્ દૃષ્ટિ
 


હોડીના વિશાળ સઢને તંબુ માફક ઊભો કરી તેની નીચે દરિયાકિનારે સુબાહુ બેઠો હતો. સમુદ્ર ઉપર તેની મીઠી નજર ઠરી રહી હતી. ઐરાવતને નિહાળી રાજી થતો નાનકડો ઇન્દ્ર જાણે ન હોય ! સમુદ્ર મીઠું મીઠું હસી રહ્યો હતો. સમીર અને સૂર્યપ્રકાશ એ મહાન શક્તિશાળી સત્ત્વને ગલીપચી કરી રહ્યાં હતાં. સમુદ્ર હસતો હસતો કલાભર્યું હલન કરતો હતો. સુબાહુ એ ત્રણે મહા સત્ત્વોની રમત નીરખી રહ્યો હતો. દૂરથી સમુદ્રના આછા ઘુઘવાટને ઢાંકતું એક અટ્ટહાસ્ય સંભળાયું. સુબાહુએ પાછળ નજર કરી. સુકેતુ ત્રણચાર માણસો સાથે હસતો હસતો આવતો હતો. તે પાસે આવ્યો અને સુબાહુએ પૂછ્યું : ‘કેમ સુકેતુ ? શું છે ?’ ‘મહારાજા યુવનાશ્વને ભેટ પહોંચી ગઈ.' સુકેતુએ કહ્યું અને ફરી ખડખડ હસવા લાગ્યો. ‘શાની ભેટ ?’ ‘એણે છ યોજનગંધાઓ માગી હતી ને ?’ ‘હું, તેનું શું થયું ?’ ‘તું નાગપ્રદેશમાં ગયો હતો એટલે મેં છ હોડીઓ ભરીને એને ભેટ મોકલાવી.’ કૈવર્તકન્યાઓ મોકલાવી ?' સહજ ભમર ઊંચકી સુબાહુએ કહ્યું. ‘મરેલી માછલીઓ મોકલાવી : છ હોડીઓ ભરીને.’ સુકેતુએ કહ્યું અને ફરીથી તે હસ્યો. સુબાહુના મુખ ઉપર પણ હાસ્યની આછી છાયા દેખાઈ. સુકેતુનું હાસ્ય વ્યાપક બનતું, તેના હાસ્યમાંથી બીજાઓ પણ હાસ્ય ઝીલી લેતા. ‘પછી ?’ સુબાહુએ મુખ ઉપર જરા કરાજી બતાવી. ‘પછી ? પછી શું ? એ યોજનગંધાઓ પાલખીમાં બિરાજી મહારાજા યુવનાશ્વના અંતઃપુરમાં પેસી ગઈ.' સુકેતુએ કહ્યું. સહુ હસી પડ્યા. સુબાહુએ હાસ્યને પોતાના મુખ ઉપર ફેલાતું