પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨ : ક્ષિતિજ
 


સુબાહુ અને સુકેતુ આવી લાંબી ચર્ચા કરતા ત્યારે પ્રથમ તો સુકેતુ લડી પડતો, અને પછી સુબાહુના કાર્યક્રમને પોતાનો બનાવી લેતો. ‘જો સુકેતુ ! ધ્વજ ત્રણ રીતે ફરકાવી શકાય. એક તો રાજધ્વજ સત્તાધ્વજ; બીજો મિત્રધ્વજ અને ત્રીજો ધર્મધ્વજ. રાજધ્વજની પાછળ અસહિષ્ણુશાસનશક્તિ, મિત્રજની પાછળ સહનશક્તિ અને ધર્મધ્વજની પાછળ સર્પિણશક્તિ. આપણે કયો ધ્વજ ફરકાવીશું ?’ ‘કોઈ પણ ધ્વજ ફરકાવવો હોય તો તેની પાછળ રાજધ્વજ તો જોઈએ જ. આપણા ધ્વજની પાછળ બળ ન હોત તો નાગ લોકો આપણા ધ્વજને મિત્રધ્વજ માનતા ખરા ? અને ધર્મ પણ ધજા ચઢાવતો થશે ત્યારે એ પણ સત્તા માગતો થશે.’ ‘પછી તે ધર્મ નહિ રહે. સુકેતુ ! ધર્મ એટલે ?' ‘તું મારા કરતાં વધારે વિદ્વાન છે. તેં ચર્ચાઓ કરી છે અને ગ્રંથો લખ્યા છે. મને ગ્રંથો લખવા ગમતા નથી. હું ધર્મની ગૂંચવણમાં પડતો નથી. ટૂંકામાં એટલું જ કે જે સારું એ ધર્મ.' સુબાહુએ સ્મિત કર્યું. ચમકતા હસતા સમુદ્ર તરફ ફરીથી દૃષ્ટિ નાખી. જરા રહી તે બોલ્યો : ‘તારી વ્યાખ્યા સંપૂર્ણ છે...' ‘તો લે શસ્ત્ર હાથમાં, અને કર પ્રતિજ્ઞા કે આર્યાવર્તમાં રાજવીનું નામનિશાન રાખીશ નહિ.’ ઉતાવળો મા થા. મને મારો અને તારો ડર લાગે છે. રાજવીઓને કાઢી હું કે તું એક અગર બીજે રૂપે રાજા બની ગયા તો ? સમર્થને કોણ નીચે બેસાડશે ? હું અને તું યુવનાશ્વ નહિ બની જઈએ એની ખાતરી શી ? યુવનાશ્વનો પૂર્વ ઇતિહાસ તેને પરાક્રમી કહે છે.' ‘જો, સુબાહુ ! મને ભય લાગે છે કે એક દિવસ આપણે લડીને છૂટા પડીશું...’ ‘ભાઈ લડીને છૂટા ન પડે તો આપણું આર્યત્વ લાજે ! ખરું ?’ ‘મારો અને તારો માર્ગ જુદો પડતો જાય છે.' ‘કેવી રીતે ?’ ‘તેં હથિયાર ફેંકી દીધાં. હું આયુધહીનતાને નિર્બળતા ગણું છું. તેં ભૂમિવિજય જતા કર્યા. હું ભૂમિવિજયમાં માનું છું. તેં શત્રુઓને જતા કર્યા. હું શત્રુઓને નિર્મૂલ કરવા માગું છું.’ ‘મને શસ્ત્ર-અસ્ત્ર વાપરતાં આવડે છે એ તું જાણે છે ને ?’ ‘હા, પણ એનો ઉપયોગ શો ?’