પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
 


કામી માનસ
 


નાગરાણી ઉલૂપીએ વિદાયની આખી રાત વિકળા, રીસ, અસહાયપણાના ઉદ્વેગ અને માનભંગમિશ્રિત લાગણીમાં ગાળી. તેણે સુવર્ણપ્યાલાને ઠોકર મારી ફેંકી દીધો. પથારીને પીંખી નાખી રુદન કર્યું; ચડસે ભરાઈ અપૂર્વ માધુર્યભર્યું ગીત ગાયું; ફૂલ તોડી મસળી નાખ્યાં. સેવિકાને અણઘટતી આજ્ઞાઓ આપી, અને અંતે સુબાહુને અન્યાય કર્યાનો પોતાનો વાંક કાઢી ફરી રડી. કલ્પિત સુબાહુને વીનવતી સુબાહુ બેઠો હતો એ સ્થાન ઉપર જ સૂતી. કલ્પના ન હોત તો માનવી સુખ ક્યાં શોધત ? અને સ્ત્રી તો સદાય કલ્પનામાં જ જીવે છે. સુબાહુનું સાન્નિધ્ય કલ્પી તેની સાથે આખી કલ્પિત રસસૃષ્ટિ ઊભી કરી અત્યંત માનસહ તેણે રાત્રિ જાગ્રત સ્વપ્નમાં વિતાવી. પ્રભાત થતાં તેણે સેવિકાને પૂછ્યું : ‘સુબાહુ ક્યાં ?’ ‘નથી.’ દાસીએ કહ્યું. ‘એને કેમ જવા દીધો ?’ - દાસીએ કશો જવાબ આપ્યો નહિ. સુબાહુ નાગપ્રદેશ છોડી જશે એમ ઉલૂપીએ ધાર્યું ન હતું. કાંઈ નહિ તો મહેમાનગૃહમાં તે રાત ગાળશે એવું તે ધારતી હતી. તેણે ચારેપાસ માણસો દોડાવ્યાં. સંધ્યાકાળે ભાળ લાગી કે ઉત્તુંગ, ક્ષમા અને સુબાહુનાં પગલાં સુવર્ણગઢ તરફ વળ્યાં હતાં એથી પણ વધારે ચમકાવનારા સમાચાર રાત્રે ઉલૂપીએ સાંભળ્યા. ‘એક મૃત યુવકનું શબ આવ્યું છે.’ એક સૈનિકે કહ્યું. ‘મૃત... યુવક ! શું કહે છે તું ! ક્યાં છે ?' એકદમ ઉલૂપી બહાર દોડી આવી. તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો. મૃત દેહ ઉપર ઢાંકેલું પર્ણવસ્ત્ર તેણે હાથે ઉઘાડી નાખ્યું. તે સુબાહુ ન હતો. તે ઉત્તુંગ ન હતો. ત્યારે આ કોણ ?’ ‘વિષપ્રયોગથી મૃત્યુ થયું છે !' એક અનુભવી નાગ કર્મચારીએ કહ્યું.