પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪ : ક્ષિતિજ
 


નાનો કુમાર બંને તરફ જોઈ રહ્યો. સેનાપતિત્વનો ખ્યાલ તેને સહજ મહત્ત્વ આપી રહ્યો હતો. એટલે તેણે મહારાણીને કહ્યું : 'હું ઝડપથી આવું છું.' રુઆબથી પિતાને લશ્કરી ઢબનું નમન કરી પાછા જતા કુમાર તરફ મહારાણી ચિંતાભરી દૃષ્ટિ ફેંકી રહ્યાં, અને પોતાના આવાસ તરફ જવા પાછાં ફર્યાં. મહારાજાએ રાણીને ખભે હાથ મૂક્યો. મહારાણીએ અડક્યા વગર એ અણગમતા બનેલા હાથને ખસેડી નાખ્યો. મહારાજાની વિલાસવૃત્તિને રમૂજ પડી. તેણે આગળ વધતાં મહારાણીની કમરે હાથ નાખ્યો. ‘કોઈ હોય તેનો ખ્યાલ તો રાખો.' મહારાણી અને મહારાજા વચ્ચે વાતચીત જ્યારે જ્યારે થતી ત્યારે ત્યારે તેમાંથી અંગારા ઝરતા : જોકે મહારાજાને મહારાણીની સાથે વાત કરવાની ફુરસદ ઓછી રહેતી. ‘અહીં તો કોઈ નથી.' મહારાજાને નાનપણના પ્રણયપ્રસંગો યાદ આવ્યા. ‘આ બધા ફરે છે તે દેખાતું નથી ?” મહારાણીએ કહ્યું. રાજારાણી વચ્ચેની વાતચીત સદાય દબદબાભરી હોતી નથી. ઘણી વખત રાજમહેલમાં પીઠાની ભાષા પણ ફરી વળે છે. ‘એ તો દાસીઓ છે !' મહારાજાએ જવાબ વાળ્યો. યુવનાશ્વના રાજમહેલમાં રહેતાં દાસદાસીઓને આંખ, કાન અને વાચા ન હોય એમ માનીને મહારાજાનાં માનીતાં સ્ત્રીપુરુષો વર્તન કરતાં હતાં. મહારાણીએ તેમ છતાં પોતાની કમર ઉપર લપેટાયેલો યુવનાશ્વનો હાથ બળ કરી ખસેડી નાખ્યો. તેનું ચાલત તો તે યુવનાશ્વને ધક્કો મારી દૂર કરી દેત, પરંતુ તેમ હાથ વડે ન કરતાં આંખ વડે જ તે તિરસ્કારસૂચન કરતી હતી. રસિકતા તિરસ્કારમાં પણ સૌંદર્ય નિહાળે છે. મહારાજા તિરસ્કારથી મોહ પામીને મહારાણીની સાથે તેના આવાસમાં ગયા. મહારાજાને સર્વ સ્થળે જવાનો અને બેસવાનો અધિકાર હતો. મહારાણીના આવાસમાં એક આસન ઉપર તેઓ બેઠા અને પોતાની પાસે મહારાણીને બેસવા આજ્ઞા કરી. મહારાણી આસન નીચે બેઠાં. ‘હું તારી પાસે આવ્યો છું.’ મહારાજાએ આસાયેશ લેતાં કહ્યું. ‘બહુ સારું કર્યું.’ આટઆટલું સૌંદર્ય છે એ હું કેમ વચમાં વીસરી ગયો હોઈશ ?’ કેટલીક વખત પત્નીને પોતાનાં વખાણ ઝેર જેવાં લાગે છે.’ ‘તારામાં