પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામી માનસ:૨૦૭
 


ત્યારે ? મહારાજાની શિક્ષામાં કશું જ ધોરણ રહેતું નહિ. અનેકાનેક વિચિત્ર પ્રક્રિયાઓ અને તે ક્રૂર મૃત્યુ સુધીની એ શિક્ષાશ્રેણીમાં આવી જતી હતી. મહારાજા હજી પણ તેની સુબાહુને ભેટ આપે તો કેવું ? મહારાજાની આગળ ચાલતાં ચંડળે કાંચનજંધાને કઠોરાથી જાગ્રત કરી. મહારાજાને જોતા બરોબર તે ઊભી થઇ ગઇ. શિક્ષાની કલ્પનાથી તેના મુખ ઉપર સહજ ભય પણ ઉત્પન્ન થયો. મહારાજા તેની સામે જોઈ રહ્યા. મહારાણી તેને કેમ સુંદર લાગ્યાં ? કાંચનજંઘા સર્વાંગ સુંદર હતી. ‘કાંચનજંઘા !’ મહારાજે કહ્યું. ‘જી.' તેણે જવાબ આપ્યો. ‘તું નિષ્ફળ નીવડી, નહિ ?' મારો દોષ નથી. મારા બધા જ પ્રયત્નો અફળ ગયા.' ‘કે ખોટું બોલે છે ?’ કહી મહારાજાએ કાંચનજંઘાનો હાથ પકડી તેને પોતાની સાથે આસન ઉપર બેસાડી, તેની કદળીકોમળજંઘા ઉ૫૨ પોતાનું મસ્તક મૂક્યું. કાંચનજંઘાને કમકમાટી ઊપજી. હસવા માગતા મહારાજા સામે તે હસી શકી નહિ. મહારાજાને મસ્તકે તે હાથ પણ ફેરવી શકી નહિ. મહારાજાના મુખ ઉપર તેને તિરસ્કાર આવ્યો. તેણે સહજ મુખ પાછું ફેરવ્યું. ‘શરમાય છે ?’ મહારાજાએ પૂછ્યું. ખરેખર કાંચનજંઘા શરમાતી હતી. તેનો સ્ત્રીદેહ અણગમતા પુરુષનો સ્પર્શ કરી રહ્યો હતો એ તેને ભારે શરમભરેલું લાગ્યું. પરંતુ તેનો દેહ વેચાયલો હતો. કાંજનજંઘા મહારાણી કે રાણી પણ હોત તો યુવનાશ્વને ધક્કો મારી પોતાની પાસેથી દૂર કરત. પરંતુ તે રાણી કે મહારાણી ન હતી. દેહનો અને સૌંદર્યનો ઉપયોગ મહારાજાની ઇચ્છા પ્રમાણે કરવા તે બંધાઈ હતી. તેણે જવાબ આપ્યો : ‘મને થાક લાગ્યો છે.' ‘ત્યારે સૂઈ જા. હું તને સુવાડું.' કાંચનજંઘાને પોતાનો દેહ અલોપ કરવાનું મન થયું. અણિમા સિદ્ધિ મેળવી દેહને અણુ સરખો બનાવી દેવાની તેને વૃત્તિ થઈ. પાંખ હોય તો પરદેશ ઊડી જવાની કલ્પના તેને થઈ આવી. છતાં વેચાણ દેહને આજ્ઞા પાળવી પડી. તે સૂતી. ‘તારો ઉત્સાહ ક્યાં ગયો ?’ મહારાજાએ પૂછ્યું.