પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
 


પોતપોતાના માર્ગ
 


સૂર્યોદય થવાને ઘણી વાર હતી. છતાં સૂર્યોદય પૂર્વનું અજવાળું ચારેપાસથી ઊઘડતું દેખાતું હતું. ક્ષિપ્રાને કિનારે હોડીઓની હારકાર બાઝી હતી. લશ્કરીઓ સ્થિરતાથી અવરજવર કરતા હતા. શહેરનો કોલાહલ સંભળાતો હતો. વિજયી સૈન્યના સરખી સ્થિરતા વ્યાપેલી દેખાતી હતી. અવંતિનો ઘેરો સફળ થયો હતો. એક પાસથી સુકેતુએ અને બીજી પાસથી ઉલૂપીએ ધસારો કરી અવંતિનો કિલ્લો હાથ કર્યો, અને રાતમાં જ મહારાણી અને કુમારને પકડી લીધાં. સુબાહુ જીવતો છે એની ખબર તો બંનેને મળી હતી પરંતુ જીતની ક્ષણે યુવનાશ્વ સરખો ક્રૂર બની ગયેલો સત્તાધીશ સુબાહુની કતલ કરાવી નાખે એ અશક્ય ન હતું. સુબાહુને રાજમહેલના કોઈ ગુપ્ત વિભાગમાં રાખ્યો હતો એ તો સહુએ જાણી લીધું. પરંતુ યંત્ર અને તિલસ્માતથી ભેદભંડાર સરખા બની ગયેલા રાજમહેલમાં સરળતાથી પ્રવેશ કરવો, અને ઊંડાણમાં રાખેલા સુબાહુને સુરક્ષિત શોધી કાઢવો એ કામ મુશ્કેલ હતું. અવંતિના વિજય કરતાં સુબાહુનું જીવન વધારે મોંઘું હતું. સુકેતુ અને ઉલૂપી બેમાંથી કોઈને મહેલમાં સુબાહુને શોધવાની અંગત વૃત્તિ ઓછી હતી. જેમ જેમ વિજય મળતો ગયો તેમ તેમ થકાટ વધતો ગયો. સુકેતુની સાથે મહેલ શોધવા જવાની ઉલૂપીએ સ્પષ્ટ ના પાડી, અને તે વિજય પછી આખી રાત પોતાની હોડીમાં બેસી રહી. સુબાહુ પ્રત્યેક રીતે સલામત છે એમ જાણવાની આતુરતામાં ઉલૂપીએ આંખ સરખી મીંચી નહિ. તેની દૃષ્ટિ ખુલ્લા થઈ ગયેલા નગરદ્વાર તરફ હતી. લશ્કરીઓ આવતા જતા હતા પરંતુ કોઈ તેના તરફ દોડી આવી સુબાહુની ખબર આપતું ન હતું. પારાવાર વિકળતા અનુભવતી ઉલૂપીએ હોડી નીચે ઊતરી રેતીમાં ફરવા માંડ્યું. જલદેવી સરખી ઉલૂપીના હલનચલનમાંથી અવનવાં સૌંદર્યચિત્રો રચાતાં હતાં તે વનવાસી નાગપ્રજાના સૈનિકો સાનંદાશ્ચર્યથી જોઈ રહેતા હતા. સુખ અને વિજય આપનાર આ નારી સંઘપતિ પ્રત્યે સૈનિકોને ભક્તિભાવ ઊપજતો હતો. પરંતુ ઉલૂપીના હૃદયમાં તો માનવ- ભાવ તરતા હતા.