પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પોતપોતાના માર્ગ:૨૧૧
 


એકાએક તેણે સૈનિકનું એક ટોળું પોતાના તરફ આવતું નિહાળ્યું. સૈનિકોની આગળ સહુમાં ઊંચો તરી આવતો એક ભવ્ય પુરુષ અને તેને પડખે નીચી લાગતી એક સ્ત્રીને જોઇ તે આશ્ચર્ય પામી. ‘શું ઉત્તુંગ આવે છે ?’ ઉલૂપીના મનમાં પ્રશ્ન થયો. અને ક્ષમા ?' ખરેખર એ ઉત્તુંગ જ આવતો હતો. તેની સાથે ક્ષમા પણ હતી. અપમાનિત સેનાપતિ અને જૂનો મિત્ર ભુલાયલો ન હતો. ઉલૂપીને એક જાતનો આનંદ થયો. એ બંનેનો પત્તો હજી સુધી પડ્યો ન હતો. કદાચ એ બન્ને ગુનેગારો રોમન સંસ્થાનોમાં સંતાયાં હોય એમ માનવામાં આવતું હતું. પરંતુ યુવનાશ્વ સામેના યુદ્ધનો પ્રસંગ મહત્ત્વનો બની ગયાથી ઉત્તુંગ અને ક્ષમા માટે શોધ પૂરતી થઈ શકી ન હતી. ‘ઉત્તુંગ ! તું ક્યાંથી ?’ પાસે આવી સંઘપતિને નમન કરતા શૂરવીર ઉત્તુંગને નિહાળી ઉલૂપીના હૃદયમાં સદ્ભાવનો સંચાર થયો. ‘હું નાગપ્રજાના ગુનેગારને સાથે લાવ્યો છું. સંઘપતિની આજ્ઞા મેં પાળી છે.' ઉત્તુંગે જવાબ આપ્યો. ‘પણ તમે હતાં ક્યાં ?’ ‘પહેલી ક્ષમા સુવર્ણગઢમાં પકડાઈ. તાંત્રિકને એમાં એક અદ્ભુત વિષકન્યા જડી આવી. ‘વિષકન્યા ? ક્ષમા ?’ ‘એ બચી ગઈ છે. કારણ એના પછી હું પકડાયો. ‘અને મેં સુબાહુને વિષકન્યાથી બચાવી લીધો છે.' ક્ષમા બોલી. સ્ત્રી સ્ત્રીના હૃદયને પરખી શકી. ‘સુબાહુ બચી ગયો છે ? ક્યાં છે ?’ વિકળતા ન છુપાવી શકતી ઉલૂપીએ પૂછ્યું. ‘હું એને હમણાં જ જોઈને આવી. અમે ત્રણે યુવનાશ્વનાં કેદી હતાં.’ ક્ષમાએ કહ્યું. ઉલૂપીએ આનંદમાં આવી પોતાના બંને હાથ ભેગા કરી દબાવ્યા. ઉત્તુંગ અને ક્ષમા પ્રત્યેનો સહજ સરખો વિરોધાભાવ પણ તેના હૃદયમાં રહ્યો નહિ. ‘આજથી તું સેનાપતિ છે જ.’ ઉલૂપીએ ઉત્તુંગને કહ્યું. ‘આજ નહિ. મને એક પખવાડિયા સુધી નિદ્રા લેવા દે. હું તારી પાસેથી ગયો ત્યારનો સૂતો જ નથી.' ‘હું તારી સ્થિતિ જોઈ દુઃખી થાઉં છું. પણ તું કેમ સૂતો નહિ ?’