પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪ : ક્ષિતિજ
 


ઉત્તુંગ અને ક્ષમા આજ તેનાં સ્નેહીં બની ગયાં. દિવસ વધતો ચાલ્યો. સુબાહુને નિહાળવાની તાલાવેલી ઉલૂપીના મહાકાળને એક હૃદયમાં જાગી પરંતુ મહાકાળનાં દર્શન કર્યા વગર નૃત્યપૂજા અર્પણ કર્યા વગર સુબાહુને ન જોવાની તેણે પ્રતિજ્ઞા લીધી હતી. હું ‘સુબાહુ જીવંત છે એમ સાંભળીશ તો પહેલી મહાકાળેશ્વરને નમન કરી આવીશ.' યુદ્ધે ચઢતાં પહેલાં ઉલૂપીએ બાધા રાખી હતી. બાધા ધીમે ધીમે ઘટ્ટ બનતી જાય છે. માત્ર નમનમાંથી પોડશોપચાર પૂજા ઉદ્ભવે છે. તેમાંથી દાન વિકસે છે, અને દાનમાંથી ઉત્સવ યોજાય છે. યુદ્ધ પૂરું થતાં પહેલાં ક્યારની ઉલૂપીની બાધા વિશાળ બની ગઈ હતી. મહાદેવને નૃત્યથી રીઝવી પ્રિયતમનું મુખ જોવું એવા આકરા સંયમવાળી પ્રતિજ્ઞા તેનાથી લેવાઈ ગઈ. પ્રિયતમને જીવંત નિહાળવા પ્રિયતમા ક્યાં કષ્ટ ન વેઠે ? નાગકન્યા ઉલૂપી - સંઘપતિ ઉલૂપી - વિજેતા ઉલૂપી સુબાહુને જોવા આતુર બની - અને તેથી મહાકાળનાં પૂજન માટે તેણે સેવકોને આજ્ઞા આપી. શિવભક્ત નાગજનતા આ મહાસ્થાનની પૂજા કરવા સદાય તત્પર રહેતી. માકાળેશ્વરનું પૂજન એ જીવનનો એક લહાવો - જીવનનું એક પ્રાપ્તવ્ય મનાતું. છતાં હજી ચોક્કસ ખબર સંકેતુ કેમ મોકલતો ન હતો ? ઉત્તુંગે અને ક્ષમાએ સુબાહુ જીવંત હોવાના સમાચાર આપ્યા. પરંતુ એ સમાચાર વધાઈની માફક વ્યાપક કેમ બની જતા ન હતા ? જેમ જેમ દિવસ વધતો ગયો તેમ તેમ ઉલૂપીની ચિંતા વધી. તેને સુકેતુ ઉપર રીસ ચડી. સુકેતુ પણ મહેલની બહાર હજી આવ્યો ન હતો એવા સમાચાર તેને ક્ષણે ક્ષણે મળતા હતા. પુરુષસૈનિકોને કાપી નાખવા માટે રાજમહેલના ચોગાનમાં બાંધ્યા હતા એ સમાચારે તેને વ્યગ્ર બનાવી મૂકી. એકાએક સુકેતુને ઘોડા ઉપર ઊછળતો આવતો તેણે નિહાળ્યો. સૂર્ય સખ્ત બનવા લાગ્યો હતો. સુકેતુ એકલો અને ઉતાવળે કેમ આવતો હતો ? થોડી ક્ષણોમાં તો ઉલૂપીને યુગયુગાંતર ભરાય એટલા વિચાર આવી ગયા. સુકેતુ ઘોડા ઉપરથી ઊતરતાં બોલ્યો : ‘નાગરાણી ! સુબાહુ કુશળ છે.’ અને ઊતર્યા પછી તેણે ઉલૂપીને લશ્કરી ઢબથી સલામ કરી. આનંદ- ભર્યા સમાચાર - ખાતરીભર્યા સમાચાર સાંભળતાં જ વિરહિણી ઉલૂપી માનિની બની ગઈ. તેના હૃદયે એક છણકો કર્યો : ‘મને મળવા તો ન જ આવ્યો ને ?’