પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પોતપોતાના માર્ગ:૨૧૯
 


ઉલૂપી ક્યાં ? ‘ન આવી.’ ‘કેમ ?' ‘તને એ જરાય મળવા માગતી નથી.' સુકેતુએ જવાબ આપ્યો. સુબાહુએ મસ્તક ફેરવ્યું અને નિદ્રા લાવવાનો પ્રયત્ન કર્યો. સુકેતુ નક લેઈ ભાવિ યુદ્ધયોજનાઓ ગોઠવવા લાગ્યો. રાત્રિ પડી. ચાર હૃદયો આજ તરફડતાં હતાં. ઉલૂપી સુબાહુને મળવા માગતી હતી છતાં તેનું સ્વાભિમાન તેને સુબાહુની પાસે જતાં અટકાવતું હતું. સુબાહુ ઉલૂપીને નિહાળવા તલપી રહ્યો હતો. પરંતુ તેનો અશક્ત દેહ આજ તેને - તેના હૃદયને દબાવી દેતો હતો. અવંતિનો વિજય કર્યા પછી સમુદ્ર માર્ગે અને જમીન માર્ગે કેવી રીતે આગળ કેટલા દિવસમાં વધવું તેની યોજનામાં રોકાયલા સુકેતુના હૃદયને શાંતિ ન હતી. પારસીકોની હદ સુધી પહોંચી જઈ રોમનોનાં અજિત કહેવાતાં લશ્કરોને પરાજય આપવાનો વિશ્વાસ સેવતો સુકેતુ સુબાહુની સંમતિની રાહ જોતો અસ્થિરપણે છાવણીમાં ઘડી બેસતો અને ઘડી ફરતો હતો. કૈફની અસરમાં સૂઈ રહેલા મહારાજા યુવનાશ્વનું હૃદય કાંઈ કાંઈ અસ્વચ્છ અને વિકરાળ સ્વપ્નમાળાઓ રચતું મહારાજાની અશાંતિમાં ઉમેરો કરતું હતું. મારાજાએ સંધ્યાકાળે જાગ્રત થઈ જોયું તો બે સાગરસૈનિકો તેની ચોકી કરતા દેખાયા. દુશ્મન સૈનિકોની ચોકીએ યુવનાશ્વને ભુલાઈ ગયેલી પરાજયની ઘડીઓ યાદ કરાવી. તેની સેવિકાઓ ક્યાં ગઈ ? તે પદભ્રષ્ટ થયો હોય તોપણ તેના સુખસાધનોનો અવશેષ તો તેની પાસે રહેવો જોઈએ? તેની મહારાણી, કાંચનજંઘા, ત્રિવિષ્ટપની સુંદરીઓ એમાંથી કોઈ કેમ આગળ આવતું ન હતું ? સ્ત્રીસાન્નિધ્યમાં સૂતો અને સ્ત્રીસાન્નિધ્યમાં ઊઠતો યુવનાશ્વ સ્ત્રીમુખ વગર મૂંઝાઈ ગયો. તેને જગત ડૂબી ગયેલું લાગ્યું. તેણે ધીમે ધીમે ઊઠવાની શક્તિ અને સ્વાસ્થ્ય મેળવી ચોકી કરનારને પૂછ્યું.

‘મને શું કેદ પકડ્યો છે ?’ ‘ના જી.’ ‘તો પછી મારી સેવિકાઓ ક્યાં છે ?' ‘આપની આજ્ઞા હતી ને કે રાજમહેલની એકેએક સ્ત્રીની કતલ કરવી !' એક સૈનિકે કહ્યું. ‘અને તે પણ આપના જાગતા પહેલાં.' બીજા સૈનિકે જણાવ્યું.