પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
 


જીવન અને મૃત્યુનું સામીપ્ય
 


મહકાળેશ્વરના મંદિરની રોનક આજ ઘટી ગયેલી હતી. અવંતિનો પરાજય અવંતિનાં મંદિરોને પણ ઝાંખપ આપતો હતો. મોટું સૈન્ય સમાય એવા વિશાળ કિલ્લેબંદી ચોકના એક ભાગમાં સ્વયંભૂ કહેવાતા શંકરના બાણની સ્થાપના હતી. મંદિરમાં જવા માટે ચોક વટાવી બીજી કિલ્લેબંદી- વાળા ઊંડા ભાગમાં જવું પડતું હતું. એ ઊંડાણમાં એક મોટો કિનાર બાંધેલો, ફરતાં પગથિયાંવાળો જલકુંડ કિનારા ઉપરનાં નાનાં નાનાં પરંતુ કારીગરીના ઉત્તમ નમૂના સરખાં અસંખ્ય દેવાલયોનાં પ્રતિબિંબ પાડતો હતો. કુંડની એક બાજુએ શિવાલય હતું. દરરોજ પ્રગટતા હજારો દીવાની દીપમાલાઓને સ્થાને આજે કોઈ કોઈ સ્થળે દીવા અંધારું વધારતા ટમટમતા હતા. જંગલી ગણાતા નાગલોકો અને દરિયાઈ ચોરોના સૈન્યે મળીને આજ અવંતિનો કબજો લીધો હતો. હજી સુધી શહેરનાં માણસોને કશી વિપત્તિ પડી ન હતી, છતાં સિપાહીઓ કે સરદારો શહેરને લૂંટી લેશે કે શહેરીઓને પકડશે એવી ભીતિ સતત સહુને રહેતી, અને જોકે સુકેતુએ પ્રજાને સ્વસ્થ બનવા ઢંઢેરા દ્વારા સાંત્વન આપ્યું, છતાં પ્રજાજનોની કલ્પના આગળ વિજેતાઓનાં એવાં ભયંકર વર્ણનો રજૂ થતાં હતાં કે લોકોની હિંમત બહાર નીકળવા માટે ચાલતી નહિ. સ્મશાન સરખી અવંતિ નગરીની બહાર આવેલી છાવણીઓ જાગતી અને પ્રકાશિત દેખાતી હતી. તેની આછી સરખામણી કરતો મહારાજા યુવનાશ્વ શહેરમાં પગે ચાલીને ક્વચિત્ ધીમે, ક્વચિત્ ઉતાવળે મંદિર તરફ વધતો હતો. મંદિરનાં ચોઘડિયાં બીતાં બીતાં વાગી બંધ થઈ ગયાં એ તેણે સાંભળ્યું. ‘દેવ પણ દુશ્મનથી ડરી ગયા ?' યુવનાશ્વે વિચારને ઉચ્ચાર આપ્યો. દેવને તો સર્વ સમાન છે.' ચાલતા સૈનિકે કહ્યું. યુવનાશ્રુ જવાબ ન આપ્યો. તેનો ઉદ્ગાર સૈનિકોને સાંભળવા માટે ન હતો. મંદિરના ચોકમાં પ્રવેશતાં યુવનાશ્વે કાંઈ વાઘોના ધીમા અવાજ આવતા સાંભળ્યા. લોકોની અવરજવર બિલકુલ ન હતી, છતાં મૃદંગનો આછો સૂરમેળ અને તંતુવાઘના તારની મેળવણી ચાલતી તેણે સાંભળી.