પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવન અને મૃત્યુનું સામીપ્ય:૨૨૭
 


‘કેમ ?' ‘મને પૂજવાયોગ્ય એક મૂર્તિ મળી ગઈ. હવે શા માટે મરું ? મહારાજાને ધક્કો મારી પાણીમાં નાખવાની વૃત્તિ ઉલૂપીને થઇ આવી. પરંતુ એ વૃત્તિને તેણે વારી રાખી. યુવનાશ્વ તરફ લુખ્ખી આંખ કરી તેણે પીઠ ફેરવી. તેની સામે જ સુબાહુ ઊભેલો તેણે જોયો. ‘સુબાહુ !' ઉલૂપી બોલી ઊઠી. તેના ઉચ્ચારણમાં તેણે આખું જીવન ભરી દીધું. તેની ચમકતી આંખોમાં તેનો આત્મા આવીને બેઠો. તેના હાથમાં શિકારીની ત્વરા આવી ગઈ. કદાચ મંદિરમાં જ ઉલૂપી સુબાહુને ભેટી પડત એ સુબાહુએ જોયું. તોય શું ?' ઉલૂપીને ભેટવા માટે સુબાહુએ ઉત્તેજન આપવું જોઈતું હતું એમ સુબાહુને લાગ્યું. છતાં તેણે ઉલૂપી તરફ જોઈ રહેલાં પોતાનાં નયનોને નીચે ઢાળી દીધાં. જાણે કોઈ શરમાળ મુગ્ધા પોતાના પ્રિયતમની આંખ કેમ સહી શકતી ન હોય ! ‘કેમ બહાર નીકળ્યો ?’ સુબાહુના જવાબની જાણે જરૂર ન હોય એમ ઉલૂપીએ કહ્યું. ‘તને મળવા સારુ.’ સુબાહુએ જવાબ આપ્યો. ‘કેવું શરીર થઈ ગયું છે ? ચાલીને આવ્યો ?' ‘હા.’ ‘શાની હા કહે છે ? મીયાનો ન મળ્યો ?’ ‘એ મહારાજાઓ વાપરે. મારી પાલખી સમુદ્ર.’ ‘તને કોણે કહ્યું કે હું અહીં હતી ?' ‘તારી છાવણીમાંથી ખબર પડી.' ‘ત્યાં પણ ગયો હતો ?’ ‘હા.' ‘શા માટે ?’ ‘એ પૂછવું પડશે ?... તને મળવા માટે. ‘તે હું ન આવત ?’ ‘ના. તું કદી મને મળવા ન આવત.’ ‘તારે માટે હું અતિ સુધી આવી.' ‘તે હું જાણું છું.’ ‘પછી ?’ ‘મને ભય લાગ્યો કે તું રાતમાં ને રાતમાં જ પાછી જતી રહીશ.’