પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦ : ક્ષિતિજ
 


સૈનિકાઓ અને સ્ત્રીનેતાઓનો સંસર્ગ તેને ન હતો એમ કહેવાય નહ છતાં સ્ત્રીને જોતાં બરોબર કોઈ અસ્પૃશ્ય, પૂજનીય, છતાં અતિશય ગૂઢ અને ભયંક૨ ભોગ માગતું છતાં અતિપ્રિય અને અતિઆકર્ષક તત્ત્વ તેની આગળ ઊભું છે એમ તેને લાગતું. જોઈએ છતાં ન જોઈએ, પ્રિય લાગે છતાં અડકાય નહિ, એક બની જવાની સબળ વૃત્તિ જગાડે છતાં દૂર - ઘણું દૂર રહેલું લાગે એવું સ્ત્રીતત્ત્વ તેની આંખોને ખેંચતું છતાં આંખોને નીચી નમાવતું હતું. અને તે ઉલૂપીને જોતો, ઉલૂપીનો તેને વિચાર આવતો, ત્યારે આ ભાવ સહસ્રગુણ વધી જતો. ઉલૂપીને જોવા, તેને મળવા તે ઘણું ઇચ્છતો. તેને એવા પ્રસંગ પણ આવતા. છતાં એ ઇચ્છા ઉત્પન્ન થતાં, મળવાના પ્રસંગ આવતાં ઉલૂપીથી નાસી છૂટવાની પણ કોઈ વૃત્તિ તેનામાં જાગ્રત થતી અને ઉલૂપીએ તો સ્પષ્ટ કહી દીધું હતું કે તે સુબાહુને માગતી હતી. જગતમાં સ્ત્રી શરમાળ છે એમ મનાય છે અને કહેવાય છે. એ શું સર્વથા ખરું હશે ? ઉલૂપીના ખોળામાં મસ્તક મૂકી સૂતેલા સુબાહુની અસ્થિરતા ઉલૂપીના ધ્યાન બહાર ન હતી. ‘આંખો મીંચ. તારું હરણ નહિ કરી જાઉ.' ઉલૂપીએ સુબાહુની અણમીંચી આંખો જોઈ કહ્યું. સુબાહુએ જરા વાર આંખ મીંચી દીધી. ઉલૂપીએ થોડી વાર સુબાહુની જબરજસ્તીથી મીંચાયલી આંખ ઉપર પોતાનો હાથ ઢાંકી દીધો. જરા વાર રહી અસ્થિર સુબાહુએ પૂછ્યું : ‘આમ ક્યાં સુધી બેસી રહેવું છે ?’ ‘તને નિદ્રા આવે ત્યાં સુધી.’ ઉલૂપીએ જવાબ આપ્યો. મને નિદ્રા નહિ આવે.’ ‘કેમ ?’ ‘તારા ખોળાને... ભાર... લાગતો હશે.’ ‘ઘેલો ! તને બ્રહ્માએ પુરુષ કેમ બનાવ્યો ?' સુબાહુની આંખ પરથી હાથ ખસેડી ઉલૂપીએ તેના લલાટ પર આંગળીઓ ફેરવવા માંડી. ‘હું તો એથી પણ આગળ વધી પ્રશ્ન કર્યા જ કરું છું કે મને જન્મ જ શા માટે આપ્યો ?’ ‘તું જ કહેતો હતો ને ! આર્યાવર્તને એક બનાવવા.' ‘એ કેમ બને ?’ ‘દરિયાને પરદેશીઓથી મુક્ત કર્યો. હવે આર્યભૂમિને એક બનાવ.' ‘કયે રસ્તે ?’