પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
 


ખંડ પહેલો
 


 


માલવપ્રદેશનું પરિવર્તન
 


યુવનાશ્વના દેહને અગ્નિસંસ્કાર કર્યા પહેલાં જ સુબાહુ, સુકેતુ અને ઉલૂપીએ શોક તથા પરાજયથી નિસ્તેજ બનેલા રાજમહેલમાં પ્રવેશ કર્યો. વિધવા મહારાણીએ તેમને બોલાવ્યાં હતાં. વિજેતાઓ અત્યંત નમ્રતાપૂર્વક આવ્યાં, અને એક સમયના પરાક્રમી યુવનાશ્વના મૃત દેહને નમન કરી તથા મહારાણીને નમસ્કાર કરી તેમની નજીક અદબથી બેઠાં. મહારાણીની આંખમાં આંસુ ઊભરાયાં. વિજેતાઓ ગાદી લઈ લેશે ? પોતાના પુત્રને ખંડિયો બનાવશે ? યુવનાશ્વ જતાં યુવનાશ્વ સાથે ગાળેલા સુખપ્રસંગો પણ મહારાણીને યાદ આવ્યા જ કરતા હતા, અને યુવનાશ્વનાં ભુલાઈ ગયેલાં મહાકાર્યો પણ આંસુ પ્રેરતાં હતાં. થોડી ક્ષણ સર્વ શાંત રહ્યાં. મહારાણીનાં અશ્રુ ઉલૂપીની આંખને સજલ બનાવતાં હતાં અને સુબાહુ તથા સુકેતુના ગંભીર વિષાદમાં વધારો કરતાં હતાં. રડતાં કળ વળી અને મહારાણીએ આંસુ લૂછતાં સુકેતુને પૂછ્યું: ‘સુકેતુ ! હવે શો વિચાર છે ?’ સુકેતુએ ઉલૂપી તરફ જોયું અને ઉલૂપી તથા સુકેતુ બંનેએ સુબાહુ તરફ જોયું, જમીન ઉપર ત્રાટક કરી બેઠેલા યોગીસમા શાંત સુબાહુએ પોતાની દૃષ્ટિ જરા પણ હલાવી નહિ. પ્રશ્ન તેને પુછાયો નહોતો, એટલે ઉત્તર પણ તેણે આપવાનો ન જ હોય - જોકે સુકેતુ અને ઉલૂપીએ તો સુબાહુ તરફ નજર કરી ઉત્તરની આશા સુબાહુ પાસેથી જ રાખી હતી. ‘મહારાજનું શબ સંસ્કાર માગે છે. ગાદી ખાલી પડી છે. વિજેતા તમે છો. હું અને મારો પુત્ર તમારાં કેદી છીએ...' જવાબ મળતાં વાર લાગી