પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવપ્રદેશનું પરિવર્તન:૨૩૯
 


‘પણ આખી પ્રજાને પૂછવું શી રીતે ? ચાર કોટી માલવપ્રજાને ભેગી કરવી શી રીતે ?' ‘ચાર કોટી માલવપ્રજા પાસેથી તમે કર લઈ શકો છો, ચાર કોટી માલવપ્રજા ઉપર સત્તા ચલાવી શકો છો, માલવરાજ કોણ છે એ તમે ચાર કોટી પ્રજાના મન ઉપર છાપી શકો છો, અને તમને પ્રજાનું હૃદય જાણવામાં જ મુશ્કેલી પડે છે ?' સુબાહુએ પૂછ્યું. ‘એમ નહિ. આપ આજ્ઞા કરો તેમ કરીએ.' કૃશ સરદારે પાછાં પગલાં ભર્યાં. ‘અમારી આજ્ઞા માગતાં શરમ નથી આવતી ? મહારાજનું શબ હજી સંસ્કાર પામ્યું નથી. મહારાણી અર્ધ સિંહાસનનાં માલિક છે. આશા એમની માગો.' સુકેતુએ કહ્યું. ‘એમની તો આશા છે જ, કુમાર ! પધારો.' એક સરદારે નવા રાજવીની પ્રીતિ એકદમ પ્રાપ્ત કરી લેવાની લાલસાથી કહ્યું. ‘નહિ. મારે તો પ્રજાના હૃદય ઉપર રાજ્ય કરવું છે; પ્રજાની ગરદન ઉપ૨ નહિ.’ કુમારે દૃઢતાથી જવાબ આપ્યો. સરદારો એકબીજાની સામે જોવા લાગ્યા. મહારાણીએ કુમાર તરફ જોયું. પોતાના વિજયથી નહિ પણ પોતાની ભાવનાથી ભાવિ રાજાને વશ કરવા માગતા વિજેતાઓ પ્રત્યે મહારાણીને પણ મિશ્ર લાગણી ઉદ્ભવી. પરંતુ ગાદીએ કુમારને બેસાડ્યા વગર મહારાજને અગ્નિસંસ્કાર કેમ થાય ?’ ‘મહારાણી ! મહારાજનો મુગટ ગાદી ઉપર મુકાવો, અને યુવરાજની ઇચ્છા પ્રમાણે પ્રજાનું મન પણ પારખો.' સુબાહુએ માર્ગ બતાવ્યો. ‘આ બધી ગૂંચવણ ઊભી કરવા કરતાં એમ જ કહી દો ને કે માલવપ્રદેશ ઉપર તમારે તમારું જ વર્ચસ્વ સ્થાપવું છે ?’ એક વફાદારી બતાવતા સરદારે કહ્યું. ‘માલવપ્રદેશ ઉપર અમારું પણ વર્ચસ્વ જોઈએ નહિ અને તમારું પણ વર્ચસ્વ જોઈએ નહિ. એના ઉપર તો માલવપ્રજાનું વર્ચસ્વ સ્થાપવા દો. યુવરાજને મહારાજા તરીકે ગાદીએ બેસાડતા પહેલાં માલવપ્રજાને જ બોલવા દો કે યુવરાજ અમારા મહારાજા બને.' સુબાહુએ કહ્યું. ‘ત્યાં સુધી રાજ્ય કોણ ચલાવે ?’ એક સરદારે પૂછ્યું. ‘મહારાણી. સિંહાસનનો અર્ધ ભાગ મહારાજ જીવતાં પણ તેમનો જ હતો ને ?’ સુબાહુએ જવાબ આપ્યો.