પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવપ્રદેશનું પરિવર્તન:૨૪૨
 


પ્રજાપ્રતિનિધિ વ્યક્તિને સાથે ધરાવાય ત્યાં સુધી મહારાણી રાજ્ય કરવાનાં છે, એવી દુહાઈ તે પહેલાં ફરી ગઈ હતી. યુવનાશ્વના આત્મઘાતે અસ્થિર માલવપ્રદેશને સહેજ વધુ અસ્થિર બનાવી દીધો હતો. વિજેતાઓના દાસત્વના બદલામાં રાજગાદીના ટુકડાઓ માગતા યુવનાશ્વના કૈંક સગાંસંબંધીઓ અગ્નિસંસ્કારની જ રાત્રે સુબાહુ અને સુકેતુની આસપાસ ફરી વળ્યા, પરંતુ એ કૃતઘ્ની સ્વાર્થી ટોળાનો તેમને ખપ ન હતો. ગાદીના લાલચુ સંબંધીઓને તેમણે મહારાણી દ્વારા પદભ્રષ્ટ કરાવ્યા. ખુશામદ કરવામાં પ્રવીણ બનેલા અનેક સરદારો અને દરબારીઓની ખાતરી થઈ ગઈ હતી કે મહારાણીને સમજાવી અગર ડરાવી બંને ભાઈઓમાંથી એક જણ ખાલી રાજસિંહાસને બેસી જશે. એટલે ગઈ કાલે યુવનાશ્વને ખમાખમા કરનાર સરદારો અને દરબારીઓ આજે સુબાહુ અને સુકેતુની નેકી પુકારવા લાગ્યા. વિજેતાઓને એ સહજમાં પરખાઈ આવતા વર્ગનો જરાય ખપ ન હતો. એ ખુશામદખોર વર્ગવિના વિજેતાઓને ચાલી શકશે એવી સ્પષ્ટતા તેમણે કરી દીધી. યુવનાશ્વની અનેક ખામીઓથી ત્રાસી રહેલી પ્રજાના એક વર્ગમાં રાજભક્તિ એકાએક ટી નીકળી. ગાદીલોલુપ તથા અધિકારલોલુપ વગે નિરાશામાં એ રાજભક્તિનું છૂપું પોષણ કરવા માંડ્યું, અને યુવનાશ્વના ઘાત માટે વિજેતાઓને જવાબદાર ગણવાની પેરવીઓ કરી પોતે જાતે સલામત રહી બીજાઓની ઉગ્ર સ્વામીભક્તિની ઊર્મિઓને ઉછાળે ચડાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. દેશના જુદા જુદા ભાગમાં વિપ્લવની આગાહી આપતાં તોફાનોના ભણકારા પણ વાગવા લાગ્યા, પરંતુ સાગરસૈન્યનો સહુને ભારે ભય લાગી ગયો હતો. પ્રજાનાં શૌર્ય અને સ્વામીભક્તિ ઘસાઈ ગયેલાં હતાં. એટલે એકે પ્રવૃત્તિ બળ પકડી શકતી નહિ; ઊલટું યુવનાશ્વના મૃત્યુપ્રેરક સુબાહુ, સુકેતુ અને ઉલૂપીની કલ્પિત ક્રૂરતાને ગાઢ સ્વરૂપ આપવા જતા સરદારો અને સ્વાર્થી અમલદારો વિજેતાઓનો સામનો કરવાનું બળ પ્રેરવાને બદલે પ્રજામાં ભારે ભય ફેલાવી સુબાહુ અને સુકેતુના કાર્યને સરળ કરી રહ્યા હતા. પોતાનો દેહ સાચવી દેશસેવા કરનાર સ્વાર્થી રાજભક્તોના પ્રયત્નો આમ નિષ્ફળ જ નીવડે. દરમિયાન માલવપ્રદેશ - આર્યવર્તનો મધ્ય પ્રદેશ સુબાહુ અને સુકેતુની પ્રેરણા વડે નવું જ સ્વરૂપ ધારણ કરતો હતો.