પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

શિવ અગસ્ત્ય
 


ત્રણ માસમાં સૈન્ય તૈયાર કરી ગાંધારને પશ્ચિમ દરવાજે ઉતારવાનું હતું. રોમન સૈન્ય પારસીકોની જમીન - સરહદને તોડવા એકત્રિત થતું હતું, અને પારસીકોની દરિયાઈ સરહદ ઉપર આર્યાવર્તના રોમપ્રેમી મિત્રોનું દરિયાઈ લશ્કર રોમનોને સહાય આપવા ઊતરવાનું હતું. રોમન સૈન્ય તો એકત્રિત થવા માંડ્યું હતું, પરંતુ ભારતવર્ષના સમુદ્રસૈન્ય સંબંધી બહુ વિચિત્ર સમાચારો પરદેશમાં ફેલાવા લાગ્યા. ક્ષમા તરફથી ચોક્કસ સંદેશાઓ મળતા બંધ થયા અને તે કેદ પકડાયાના અને રોમન-મિત્ર માલવપતિના પરાજયના વિચિત્ર સમાચારો રોમ દેશમાં પહોંચ્યા. પા૨સીકો ઉપર વિજય મેળવી અલકસુંદરે ન કર્યું તે ભારતવર્ષ જીતીને કરી બતાવવાના ઉત્સાહથી ઊભરાતા રોમન સેનાપતિના કપાળ ઉપર ચિંતાની એક રેખા ઉમેરાઈ, દરિયો તો જાણે જીવતો જ ન હોય એમ અવાક્ બની ગયો. દરિયામાર્ગે એક ચકલું પણ આવતું દેખાતું ન હતું. શું સુબાહુ અને સુકેતુના ચોકીપહેરા એટલા મજબૂત બન્યા હતા ? સિંધુસૌવિર અને પાંચાલપતિનાં સૈન્યો પણ પારસીકોની પૂર્વ સરહદને ભાંગવા ઝડપથી આવતાં ન હતાં. પર્વત પર્વતે, વને વને અને સરિતાતટે વસી રહેલી સ્વતંત્ર અને અર્ધ સ્વતંત્ર નાગપ્રજા એકાએક સળવળી ઊઠી હતી. સૌવિર અને પાંચાલનાં રાજ્યો નાગપ્રજાના ઉપદ્રવથી ભય પામી ઊઠ્યા. અને ગાંધારના પર્વતોમાં વસતાં નાગ-થાણાએ તક્ષશિલામાં વિદ્યાભ્યાસ કરતાં નાગવિદ્યાર્થીઓને પાછા બોલાવી તેમને આયુધ ધારણ કરાવ્યાં. એ નાગપ્રજા કોની બાજુ ઊતરવાની હતી ? આર્યાવર્તના મધ્ય પ્રદેશથી એક પ્રચંડ ભૂમિસૈન્ય વાયવ્ય સરહદ તરફ ધસી આવતું હતું એવી વાયકા ચારે પાસ ફેલાઈ. યુવનાશ્વનું યૌવન વૃદ્ધ મનુષ્યોને યાદ આવ્યું. યુવનાશ્વનો પુત્ર મહારાણીને રાજ્ય સોંપી ઉત્તર તરફ બળવાન સૈન્ય સાથે ધસી આવે છે એવા સમાચાર આખા ભારતવર્ષમાં ઊડી રહ્યા. શુ એ એના પિતાનું વચન પાળવા રોમનોની સહાય અર્થે ઊપડે છે ? એમ ન હોય. રોમવિરોધી સુકેતુના વિજય પછી