પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શિવ અગસ્ત્ય:૨૪૫
 

‘સૈન્ય અમર બની શકે ?’ ‘આપણે ધારીએ તો અમર બનાવી શકીએ.' ‘પણ આપણે જ અમર નથી ને !' સુબાહુએ હસીને કહ્યું. ઉલૂપીએ સુબાહુ તરફ જોયું. સુબાહુની આંખ તરફ થોડી પળ તેણે ટગર ટગર જોયા કર્યું. ઉલૂપીના મુખ પર શોધકની - પ્રયોગશીલની વ્યગ્રતા હતી. કાંઈ ઝાંખી ઝાંખી પ્રયોગસિદ્ધિ દેખાઈ હાથમાં આવી અદૃશ્ય થઈ જતી હોય એવો ભાવ ઉલૂપીના મુખ ઉપર દેખાયો. શિવ અગસ્ત્ય ‘ઉલૂપી ! શું જોયા કરે છે ?' સુબાહુએ છેવટે હસીને પૂછ્યું. ‘તું એમ ન કહીશ કે તું અમર નથી.' ઉલૂપીએ જાગ્રત થઈ જવાબ આપ્યો. ‘નહિ કહું. પણ વાત તો સત્ય છે ને ?” ‘ના.’ ઉલુપીએ કહ્યું. ‘આટલાં યુદ્ધો તેં ને મેં કર્યાં. હજી ઘણાં યુદ્ધ કરવાનાં બાકી છે. એમાં આપણા દેહની મર્ત્ય અવસ્થા સહજ સંભારીએ તો શું ખોટું ?' સુબાહુએ કહ્યું. ‘સુબાહુ ગૃહસ્થ બનતા પહેલાં વાનપ્રસ્થ દીક્ષા લેવાનો છે.' સુકેતુએ કહ્યું. ‘પણ વનમાં તો અમે વસીએ છીએ.' ખડખડ હસીને ઉલૂપીએ કહ્યું. સુકેતુ અને સુબાહુ બંને હસ્યા. ઉલૂપીનું સૂચન બહુ સૂચક હતું. સુબાહુ અને સુકેતુમાંથી કોઈને એની નવાઈ ન લાગી. ઉલૂપીનો સુબાહુ પ્રત્યેનો પ્રેમ જગજાહેર હતો. સુબાહુને તેના સ્વીકારમાં શી મૂંઝવણ નડતી હતી તેની કોઈને સમજ પડતી ન હતી અને એને લીધે જાત જાતની કલ્પનાઓ અને કલ્પિત કથાઓ પણ માનવજિજ્ઞાસા ઊભી કરતી. રોમન ક્ષમા સાથે એને યુવનાશ્વે કારાગૃહમાં રાખ્યો હતો એવી પણ એક વાત ચર્ચાતી હતી, અને તેમાંથી કેટલીક કથાઓ પણ ઊભી કરવા વાચાળ લોકો લલચાય એ સ્વાભાવિક હતું. ‘સુકેતુ ! આવતી કાલથી તારું ભૂમિસૈન્ય આગળ વધવા માંડશે, નહિ ?' સુબાહુએ જરા રહી પૂછ્યું. ‘ા. આગળ વધવાનું પણ એક શિક્ષણ છે. માલવની ઉત્તર સરહદે જઈ એ સૈન્યનો એક વિભાગ અટકશે અને વચમાં જ જતાં જતાં વ્યૂહરચના શીખવી શકાશે. એથી ઉત્તરનાં રાજ્યો જરા જાગૃતિમાં આવશે.’ સુકેતુએ કહ્યું. શ. ૧૬