પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પલાયન:૨૬૫
 

‘વહાણમાં તમે ક્યાંથી ?' નાયકે પૂછ્યું. ‘એટલે ? એ પ્રશ્ન કેમ કરો છો ?' ‘આપ જાઓ છો એવી ખબર અમને મળી નથી.' ‘મને તમે ઓળખો છો ?' ‘હા જી; માટે જ હું વિચારમાં પડ્યો છું. આપ અવંતિ હતા અને નાગજનપદમાં જાઓ છો એવા સમાચાર હતા. ‘એ સમાચાર ખરા હતા.' ‘તો મારે તમને રોકવા પડશે.’ ‘તમને શી આજ્ઞા મળી છે ?' ‘કામોનિજ્જથી આવતા રોમનોને જવા દેવાની.’ ‘હું કામોનિજ્જથી આવું છું એ આ વહાણ કહેશે. અને હું રોમન છું એ તમે પોતે જ કહેશો.’ ‘પરંતુ... આપનો પ્રશ્ન... જુદો છે.' ‘એવાં કાંઈ હુકમ છે કે ક્ષમા મળે તો તેને પકડી રાખવી ?’ ‘ના જી.’ તો પછી આજ્ઞા બહાર નવી જવાબદારી લેશો નહિ. તમે ઓળખતા હશો એના કરતાં હું સુબાહુને વધારે ઓળખું છું.' દમામથી ક્ષમાએ કહ્યું. ‘ઉત્તુંગ ક્યાં છે ?’ ‘મને શી ખબર ? નાગસેનાપતિ તમારી સર્વ નદીઓમાં ફરી શકે છે. આજે તાપીમાં તો કાલે પૂર્ણમાં.’ ‘આપનું વહાણ થોડા દિવસ હું રોકું તો આપને હરકત છે ?’ ‘ઘણી જ હરકત છે. ત્રણ દિવસમાં રોમનોએ કાંઠો છોડવાનો છે. મારું વહાણ રોકશો તો એ આજ્ઞા કેમ પાળશો ?’ ક્ષમની હાજરી નાયકને મૂંઝવતી હતી. નાયક ક્ષમાને ઓળખતો હતો. સુબાહુએ રોકેલા અને બાળેલા ક્ષમાના રોમન વહાણ સાથેના યુદ્ધમાં એ નાયક હાજર હતો. કાર્મોનિજ્જમાં વસતા અગર ત્યાં બીજેથી આવી વહાણમાં બેસતા સામાન્ય વ્યાપારી કે સૈનિક રોમનોને દેશબહાર કરવાનો હુકમ હતો, પરંતુ ક્ષમા સરખી રોમનોની અધિષ્ઠાતા પ્રમુખને માટે વિશિષ્ઠ આશા હોવી જોઈએ એમ અનુભવી નાયકની માન્યતા હતી. પરંતુ એ સાચી માન્યતા પ્રમાણે વર્તન કરવાનો અધિકાર તેની પાસે અત્યારે ન હતો. અધિકાર વગરનું કામ કરનાર સૈનિક, નાયક કે અધિકારી સુબાહુ અને સુકેતુ તરફથી ભારે શિક્ષા પામતા હતા એની નાયકને ખબર હતી.