પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પલાયન:૨૬૭
 

રોમનો સામે થવા અત્યારથી શસ્ત્રસજ્જ બની બેઠા હતા. ‘ઉત્તુંગની સાથે તે નાગપ્રદેશમાં ગઈ હોત તો ? તે તુંગને નાગપ્રજાનો પ્રમુખ બનાવી શકી હોત, અને તેમ કરીને રોમન સામ્રાજ્ય પ્રત્યે નાગપ્રજાનો સદ્ભાવ ઉપજાવી શકી હોત. સદ્ભાવમાંથી સક્રિય સહાય, અને સહાયમાંથી રોમન સામ્રાજ્યનો સ્વીકાર એ સહજ પગલાં બની શકત. પરંતુ ઉલૂપીએ આર્યો સાથે મૈત્રી સાધી એ યોજનાને મુશ્કેલ બનાવી દીધી હતી. પેલા રોમન ફૂલ વેચનારની માફક જીવનભર નાગસંસ્કૃતિમાં ડૂબી જવાનો પણ ભય એમાં રહેતો હતો. રોમન રુધિર દ્વારા અન્ય પ્રજાઓને રોમનસહાયક બનાવવાની તદબીરમાં કૈંક રોમનોએ પોતાથી વિશિષ્ટતા ગુમાવી દીધી હશે, અને બેત્રણ પેઢીમાં તો તેઓ સમૂળ નાગ બની ગયા હશે ! આ આવર્તમાં ગમે તેમ સંબંધ બાંધી રહેલા રોમનોને આર્યાવર્તથી બહાર ન જવા દેવાની આશા દ્વારા સુબાહુ પણ તેમનું રોમનત્વ નાગપ્રજાની માફક નષ્ટ કરવા માગતો હતો એ સ્પષ્ટ હતું. એ જ રોમનોનાં બાળકો જોતજોતામાં આર્ય બની જાય, ઉપવીત ધારણ કરે, અને રોમના દુશ્મન તરીકે હથિયાર હાથમાં લે તો તેમાં નવાઈ જેવું ન હતું. પણ ઉત્તુંગને શા માટે એણે સાથમાં લીધો ? રોમનોને હદપાર કરવાના હુકમમાં ક્ષમાને પોતાના પલાયનનો માર્ગ દેખાયો હતો. એ માર્ગમાં જાગૃત ઉત્તુંગ આડે આવે તેમ હતું, એટલે ઉત્તુંગનો નિવેડો કર્યા વગર નાસવું તેને માટે શક્ય ન હતું. ઉત્તુંગને મારી નાખવો એ મુશ્કેલ કાર્ય હતું. આ વનમાનવી ઉશ્કેરાતો ત્યારે અજિત બની જતો. વળી સુબાહુની ચારે પાસ મુકાયલી ચોકીઓ ઉત્તુંગના ખૂનને અણજાણ રહેવા દે એમ ન હતું. હજી પણ તેને ડર હતો કે ઉત્તુંગની ગેરહાજરી જણાતાં તત્કાળ ચારે પાસ ભારે તપાસ થશે, અને તેના વહાણ પાછળ પણ કૈંક ઝડપી નાવો આવી પહોંચશે. પકડાતાં ઉત્તુંગને પાછો સોંપવા હરકત ન હતી - જોકે નાસવામાં તેનો જ હાથ હતો એમ પુરવાર કરવામાં ભારે મુશ્કેલીઓ નડે એમ ન હતી. વળી નાગસેનાપતિનું નામ જરૂર પડ્યે ઉપયોગમાં લઈ શકાય એમ હતું, અને રોમ પહોંચ્યા પછી ઉત્તુંગને સિંહ સામે લડનાર એક ગ્લેડીએટર તરીકે પ્રેક્ષકો સામે રજૂ કરી શકાય એમ હતું. આર્યગુલામ એક આશ્ચર્ય સરખો નીવડશે. કોઈ પણ સંજોગોમાં ઉત્તુંગને પાછળ મુકાય એમ હતું નહિ. અને જરૂર પડ્યે હજી તેને મોહવશ કરી શકાય એમ હતું. જ્યાં સુધી સૌંદર્ય જીવતું હોય ત્યાં સુધી તેમાં હોમાનાર પતંગિયાની ખોટ પડવાની નહિ જ - પછી ભલે ને અનેક વાર દાઝ્યાનો તેને અનુભવ થયો –