પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


ગુલામીનો કાર્યક્રમ
 


અતિશય ક્રોધ અને અતિશય મારથી બેભાન બનેલો ઉત્તુંગ જાગૃત થયો ત્યારે તેને દેખાયું કે તે ગુલામોની હારમાં ગોઠવાઇ ગયો હતો. મારથી એ બેભાન બન્યો હતો ? તેને સહજ શરમ આવી. પરંતુ તત્કાળ તેને લાગ્યું કે તેના દેહને વાગેલા પ્રહારો કરતાં તેના હૃદયને વાગેલા પ્રહારો અસહ્ય હતા. તેનું હૃદય પાછું ધડકી ઊઠ્યું. તેનું રુધિર અત્યંત વેગથી શરીરમાં વહન કરી રહ્યું હતું. તેના મનને પાછો ઝોબો આવ્યો. તેને લાગ્યું કે એ ફરી પાછો બેભાન બનશે. એણે બળ કરી ઊંડાણમાં ઊતરી જતા મનને ખેંચી રાખ્યું. નાગસેનાપતિને અહીં કોઈ પંખો નાખે એમ ન હતું. અહીં તેના માથા ઉપર કોઈ શીત ઉપચાર કરે એમ ન હતું. તેના ઘાને પાટો બાંધનાર અહીં કોઈ જ ન હતું. અને તેના શરીર ઉપર અત્યંત બળતરા થતી હતી, છતાં ભાલા, તલવાર કે તીરના ઘા જેવી જીવ ખેંચી કાઢતી વેદના તેને થતી ન હતી - જોકે એ ભારે વેદનાઓ કરતાં ચાબુકના સોળ અને બેડીઓના ઘસારા વધારે ચરચરાટભર્યા હતા. એણે નિશ્ચય કર્યો કે ઘા નહિ પણ ક્રોધ તેને બેભાન બનાવતો હતો. બેભાન બની જવાય એટલો ગુસ્સો ન કરવાની તેણે દૃઢતા ઉપજાવી. તેની પાસે જ સામે હલેસું પડ્યું હતું. એની આગળ અને પાછળ ગુલામોની હાર બેઠેલી હતી. એ બધાના કરતાં એના દેહ ઉપર વધારે મજબૂત બેડી નાખી હતી. કેટલાક ગુલામો તો સહજમાં છૂટા થઈ જાય એમ હતું, પરંતુ એ જૂના વિશ્વાસપાત્ર ગુલામો હતા. તેની બેભાન અવસ્થામાં જ શું તેને ઘસડીને આ જગાએ મૂકવામાં આવ્યો હતો ? બેભાન બની તે શી રીતે આટલી જગ્યામાં પડ્યો હતો ? તેના માથામાં એકાએક સણકો આવ્યો. મુશ્કેલીએ બેડીવાળો હાથ ઊંચો કરી જોતાં લાગ્યું કે એના માથામાંથી સહજ લોહી વહેતું હતું. ‘જીવવું છે કે મરવું છે ?’ તેના હ્રદયે એક પ્રશ્ન કર્યો. ‘મરીશ તો માછલાને ખાવા માટે મારો દેહ દરિયે ફેંકાશે. જીવીશ તો આ નરકાગાર સમી ગુલામી જીવનભર કપાળે ચોંટશે.' તેણે હૃદયને